(એજન્સી) પટણા, તા.૩૦
દલિત કાનૂન એસસી-એસટી એકટના વિરોધમાં બિહારના કેટલાય જિલ્લાઓમાં સવર્ણો રસ્તા પર આવી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બિહારના બેગુસરાઇ, નાલંદા અને બાઢ જિલ્લામાં સવર્ણો રસ્તા પર ઊતરતા એસસી-એસટી એકટ સામે વિરોધ દેખાવો કરી રહ્યા છે.
આ વિરોધ દેખાવો દરમિયાન કેટલાંય સ્થળોએ તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ બની છે. ગયામાં આ દેખાવોને કારણે સડકો પર લાગેલા ટ્રાફિકજામને હટાવવા ગયેલી પોલીસ પર રોષે ભરાયેલા સવર્ણોએ હુમલો કર્યો હતો. કેટલાક સ્થળોએ પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી.
સવર્ણો સડક પર ઊતરી આવીને એસસી-એસટી એકટની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બિહારના ગયામાં આ કાયદાની વિરુદ્ધમાં સવર્ણોએ માનપુરમાં બજાર અને દુકાનો બંધ કરાવી દીધી હતી. અહીં રસ્તા પર ચક્કાજામ કરનારા લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી અને કયાંક કયાંક લાઠીચાર્જ પણ કરાયો હતો.
બેગુસરાઇમાં લોકોએ સિટી પોલીસ સ્ટેશનના કાલીસ્તાન ચોક, હેમરા ચોક અને મુફસિલ પોલીસ સ્ટેશનના મોહનપુર-રાજોરા સડક પર ચક્કાજામ કર્યો હતો. રોષે ભરાયેલા લોકો ટાયરો સળગાવીને વિરોધ દેખાવો કરી રહ્યા છે. લખીસરાઇમાં અનામત અને દલિત કાયદાના વિરોધમાં લોકોમાં ભારે નારાજગી પ્રવર્તે છે.
બેગુસરાઇમાં ભૂમિહાર બ્રાહ્મણ એકતામંચ દ્વારા આજે બિહાર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેની સારી અસર જોવા મળી રહી છે.
શહેરના કાલીસ્તાન ચોક, ડીપી સ્કૂલ ચોક સહિત કેટલાય સ્થળોએ ચક્કાજામ કરવામાં આવતાં વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. વિરોધ કરી રહેલા સવર્ણોએ આર્થિક આધારે અનામત આપવાની માગણી કરી છે.
નેશનલ હાઇવે ર૮ અને ૩૧ પર પણ અનેક સ્થળોએ ચક્કાજામ જોવા મળ્યો છે. નાલંદામાં દલિત કાયદા વિરુદ્ધ સવર્ણોએ દેખાવો કર્યા હતા. માલદાના નેશનલ હાઇવે ૩૧ સહિત અનેક સ્થળોએ લોકોના વિરોધ દેખાવો જારી છે. નેશનલ હાઇવે ૩૧ પર કેટલાક સ્થળોએ આગચંપીની ઘટનાઓ પણ ઘટી છે.