(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
સુરત જિલ્લાના કામરેજ હાઇવે પર અવાર નવાર અકસ્માતોના કારણે સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નિકળ્યો છે. અનેકવાર ખરાબ રસ્તા અને લાઇટીંગ વ્યવસ્થા માટે રજૂઆતો કરવા છતાં તેનો કોઇ ઉકેલા આવ્યો ન હતો. છેવટે નાગરીક સમિતી કામરેજ દ્વારા મોરચો કાઢી કલેકટર કચેરી ખાતે આવ્યા હતા. તંત્રની ઉંઘ ઉડાડવા માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપી તા.ર૮મી સુધી સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ચક્કાજામની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
કામરેજમાં હાઇવે પર વારંવાર થઈ રહેલા અકસ્માતોને લઈને લોકોએ તંત્રની ઊંઘ ઉડાડવા માટે ઘંટ વગાડી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ક્લેક્ટર કચેરીએ ઘંટ લઈને પહોંચેલા લોકેઓ મોરચો કાઢીને આવેદનપત્ર આપ્યું હતું. સાથે ૨૮ જુલાઈ રવિવાર સુધીમાં અકસ્માત માટે જવાબદાર ખરાબ રસ્તા અને લાઈટીંગની વ્યવસ્થા નહીં થાય તો ચક્કાજામની સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે ઘંટ નાદ કરીને તંત્રના કાન ઉઘાડવાની કોશિષ લોકોએ કરી હતી. કામરેજ વિસ્તારમાં હાઇવેની અધૂરી કામગીરીને લીધે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રની આંખ ઉઘડી રહી નથી. હાઇવે પર રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે. આવા સંજોગોમાં નક્કર કામગીરી કરી પ્રજાને અકસ્માતનો ભોગ બનતા અટકાવવા માટે આ લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.