(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
વડોદરામાં પૂર અને ભારે વરસાદના કારણે કોયલી ફળિયામાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાણીનો નિકાલ કરવા માટે વરસાદી કાંસની ગટરનું ઢાંકણું ખોલવામાં આવ્યું હતું. જે ખુલ્લી કાંસમાં કોયલી ફળિયામાં રહેતા લસણનો વ્યવસાય કરતો મુકેશ પરમાર (ર૯) તણાઈ ગયો હતો. કાંસમાં તણાઈ ગયેલા યુવાનનો હજી સુધી પત્તો મળ્યો નથી. ઘટનાને પગલે વડોદરા શહેર વાડી વિસ્તારના ધારાસભ્ય મનિષા વકીલ વિસ્તારની મુલાકાતે અને તણાઈ ગયેલા યુવાનના પરિવારને સાંત્વના આપવા માટે ગયા હતા, ત્યારે સ્થાનિક રહીશોએ અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે કેમ ન દેખાયા ? સ્થાનિક રહીશો દ્વારા કાંસનો સ્લેબ તોડવા માટે પણ રજૂઆત કરી ધારાસભ્ય સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો અને ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અને મેયર જિગીશાબેન શેઠને જાણ કરી છતાં કોઈ ફરક્યુ ન હોવાની રજૂઆત કરી હતી. દરમિયાન લોકોના રોષ વચ્ચે ધારાસભ્ય મનિષા વકીલ અને તેઓ સાથે જોડાયેલા સ્થાનિક કાઉન્સિલર હેમીશા ઠક્કરે કાંસમાં લાપતા થયેલા મુકેશ પરમારના પરિવારજનોને સાંત્વના આપી હતી અને કાંસમાં લાપતા થયેલા મુકેશને શોધી કાઢવા માટે પ્રયાસ કરવામાં આવશે, તેવી હૈયાધારણા આપી હતી.