(એજન્સી)
નવી દિલ્હી, તા.રપ
મોબ લિંચિંગ કેસમાં મંગળવારે સદનમાં ગૃહમંત્રીના આશ્વાસન અને નિવેદન બાદ પણ આ મુદ્દો રજૂ કરવા અંગે વિપક્ષના હોબાળા પર નારાજગી વ્યક્ત કરતાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે જ્યારે ગૃહમંત્રીએ આ કેસમાં સમિતિની રચના કરવાની સાથે વિસ્તૃત નિવેદન આપ્યું છે. એવામાં દરેક બાબતનું રાજકીયકરણ કરવું યોગ્ય નથી. વિપક્ષી સભ્યો શૂન્યકાળમાં મોબ લિંચિંગનો મુદ્દો રજૂ કરવાની માગણી કરી રહ્યા છે. અધ્યક્ષ મહાજને તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયને મુદ્દો રજૂકરવાની પરવાનગી આપી. ત્યારબાદ કોંગ્રેસ, માકપા સહિત અન્ય દળ પણ આ મુદ્દાને રજૂ કરવાની માગણી કરવા લાગ્યા. લોકસભા અધ્યક્ષે કહ્યું કે જો સભ્યો ગૃહમંત્રીના નિવેદન બાદ પણ આ મુદ્દો રજૂ કરવા ઈચ્છે છે તો એકવાર દરેક લોકો બોલી લે અને પછી તે ગૃહમંત્રીને કહેશે કે, તેઓ નિવેદન આપે. આ પહેલાં પ્રશ્નકાળ પૂરો થતાં જ સદનમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષની બેઠકની નજીક આવીને મોબ લિંચિંગનો મુદ્દો રજૂ કરવાની પરવાનગી માંગવા લાગ્યા. તૃણમૂલ કોંગ્રેસના સભ્ય પણ પોતાના સ્થાન પરથી ઊભા થઈને પોતાના નેતા સુદીપ બંદોપાધ્યાયને લિંચિંગ વિશે બોલવા દેવામાં આવે તેની પરવાનગી માંગી રહ્યા હતા. અધ્યક્ષે કહ્યું કે, શૂન્યકાળમાં દરેકને બોલવાની પરવાનગી આપવામાં આવશે પરંતુ પહેલાં સભ્યોએ પોતાના સ્થાન પર જવું પડશે. ડાબેરી પક્ષોના સભ્ય પોતાના સ્થાનો પર હાથમાં પોસ્ટર લઈને ઊભા હતા જેમાં લખ્યું હતું. ત્રિપુરા પ.બંગાળમાં ડાબેરી પક્ષોના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલાઓ બંધ થાય. શૂન્યકાળમાં દરેક સભ્યોને મોબ લિંચિંગ મુદ્દે બોલવાની પરવાનગી આપતાં પહેલાં મહાજને સભ્યોના હોબાળા પર નારાજગી દર્શાવી.