નવી દિલ્હી, તા. ૧૪
કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણી સમય કરતા પહેલા કરવા વિચારણા કરી રહી હોવાના અહેવાલો મળ્યા છે. ટોચની અંગ્રેજી સમાચાર વેબસાઇટ અનુસાર આગામી વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. ચૂંટણી પંચ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮માં લોકસભા ચૂંટણી ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે કરાવવાનો બિનસત્તાવાર વિચાર કરી રહ્યું છે. લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ સી કશ્યપ સહિત અન્ય સચિવો પાસેથી આ મુદ્દે સલાહ લેવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પહેલા પણ લોકસભા ચૂંટણી અને રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરવાની તરફેણ કરી ચૂક્યા છે. જોકે, સામાન્ય રીતે આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં યોજાવાની છે.
અહેવાલોમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, બંધારણીય રીતે ચૂંટણીના નક્કી સમય કરતા છ મહિના પહેલા ચૂંટણી કરાવી શકાય છે અને તે માટે બંધારણમાં સંશોધનની જરૂર પડતી નથી. સુભાષ કશ્યપે જણાવ્યું હતું કે, જો આગામી લોકસભા ચૂંટણી છ મહિનાની અંદર યોજાય તો ચૂંટણી પંચ છ મહિનાની અંદર ચૂંટણી યોજી શકે છે. આ માટે બંધારણમાં ફેરફાર કરવો નહીં પડે. જોકે, લોકસભા ચૂંટણી વહેલીયોજવા માટે પહેલા ભાજપ અને એનડીએએ વિપક્ષ સાથે સહમતી બનાવવી પડે તેવી સ્થિતિ છે. આગામી વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ રાજ્યોમાં મિઝોરમને બાદ કરતા બાકી રાજ્યોમાં ભાજપની સરકાર છે. અહેવાલ અનુસાર લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી કરાવવાનો ફાયદો બીજેડીને ઓરિસ્સામાં અને ટીડીપીને તેલંગાણામાં મળ્યો હતો. આ વર્ષે અંતમાં ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. ભાજપે ગુજરાત ચૂંટણી ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીઓની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી દેશભરમાં યાત્રા કરી રહ્યા છે.