(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
લોકસભામાં કોંગ્રેસના સભ્યો વિવિધ મુદ્દાઓ બાબતે સૂત્રોચ્ચાર કરી વેલ તરફ ધસી આવ્યા હતા. એ સમયે સ્પીકર ઓમ બિરલાએ સભ્યોને ચેતવણી આપી કે, વેલ તરફ આવનાર સભ્યો સામે પગલાં લેવામાં આવશે. આજે સદન શરૂ થતાં જ કોંગ્રેસ સાથે અન્ય વિપક્ષો ડીએમકે અને ટીએમસીના સભ્યો પોતાના મુદ્દાઓ ઊભા કરવા ઈચ્છતા હતા. સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરતાં કોંગ્રેસના ર૦થી વધુ સભ્યો વેલ તરફ ધસી આવ્યા અને સરકાર વિરૂદ્ધ સૂત્રો પોકારવા શરૂ કર્યા. બિરલાએ વારંવાર પાછા જવા વિનંતી કરી જણાવ્યું કે, હાલમાં ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે પણ વિરોધો સતત ચાલુ રહેતા બિરલા રોષે ભરાયા અને ચેતવણી આપી કે એ સભ્યો સામે પગલાં લેશે. એમણે કહ્યું કે, ભૂતકાળમાં ભલે વેલ તરફ આવી વિરોધ કરવાની પ્રથા રહી હોય પણ આજ પછી કોઈપણ સભ્યને વિરોધ કરવા વેલ તરફ આવવું નહીં. જો કોઈ સભ્ય આવશે તો એમની સામે પગલાં લેવાશે. એક તબક્કે સ્પીકરે કહ્યું હતું કે, હું વિરોધ કરતાં સભ્યોને તક આપીશ પણ એ પહેલાં એ પોતાની બેઠક ઉપર જઈ બેસે. જો કે, સભ્યોએ પ્રદર્શનો ચાલુ રાખ્યા હતા. કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ ઉઠાવવા માંગતી હતી. જેમાં ગાંધી પરિવારને અપાયેલ એસપીજી સુરક્ષા પાછી ખેંચવાનો મુદ્દો પણ હતો. કોંગ્રેસ ઉપરાંત નેશનલ કોન્ફરન્સના સભ્યો પણ વેલમાં હતા.
આજ પછી કોઈપણ વિરોધ કરવા વેલ તરફ આવશે નહીં : સ્પીકરની લોકસભાના સભ્યોને ચેતવણી

Recent Comments