(એજન્સી) તા.૧૮
મંગળવારે રાફેલ અને કાવેરી સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાની વચ્ચે લોકસભાની કાર્યવાહી મોકૂફ કરી દેવામાં આવી હતી. બપોરે ફરીથી કાર્યવાહી શરૂ થતા વિપક્ષ અને ટ્રેઝરી બંને બેંચો પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે લોકસભામાં રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દા પર સંયુક્ત સંસદીય સમિતિ (જે.પી.સી.) તપાસની માગણી વિશે પ્લેકાર્ડ રજૂ કર્યા હતા. એ.આઈ.એ.ડી.એમ. કે.ના સભ્યોએ કાવેરી નદી પર બાંધવામાં આવી રહેલા બંધનો વિરોધ કર્યો હતો. જ્યારે તેલુગુદેશમ પાર્ટીએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગણી કરી હતી. બીજી તરફ કાવેરીના મુદ્દા પર ડી.એમ.કે. અને એ.આઈ.એ.ડી.એમ.કે.ના વિરોધ અને રાફેલ મુદ્દે સુપ્રીમકોર્ટ અને સંસદને ગેરમાર્ગે દોરવા બદલ કોંગ્રેસના વિરોધને પગલે બપોરે બે વાગે રાજ્યસભાને પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાફેલ અને કાવેરી અને આંધ્રપ્રદેશના મુદ્દા પર છેલ્લા પાંચ દિવસથી રાજ્યસભાની કાર્યવાહી મુલ્તવી રાખવામાં આવે છે. રાજ્યસભાના સલામતી વેંકૈયા નાયડુએ સભ્યોને ગૃહની કાર્યવાહી ન ખોરવવા અપીલ કરી હતી.