(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
સંસદના મોન્સૂન સત્ર દરમ્યાન મોબ લેચિંગના મુદ્દે કોંગ્રેસ લોકસભામાં હંગામો કર્યો હતો. કોંગ્રેસના કેટલાક સાંસદોએ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન પર કાગળ ફેંક્યા હતા. કાગળ ફેંકનારા કોંગ્રેસના પાંચ સાંસદો ગૌરવ ગોગોઈ, કે.સુરેશ, અધીર રંજન અને સુસ્મિતા દેવને સ્પીકરે પ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. સ્પીકરે તેમને સસ્પેન્ડ કરીને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સાંસદોનું આ વર્તન આખો દેશ જોઈ રહ્યું છે. હું જોવા માગું છું કે, સાંસદ અનુશાસનહીનતાની કેટલીક હદ સુધી જઈ શકે છે.
લોકસભા સ્પીકરે સાંસદોના આ વર્તન પર કડક વલણ અપનાવ્યું હતું. સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે કહ્યું કે, કોંગ્રેસ સાંસદો દ્વારા કરાયેલી આ હરકત શરમજનક છે કોંગ્રેસના નેતા સતત હંગામો કરતાં રહ્યા. આ દરમ્યાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ હાજર હતા. કોંગ્રેસના સાંસદોના વર્તન પર સ્પીકર સુમિત્રા મહાજન નારાજ થઈ ગયા હતા. કોંગ્રેસના નેતાઓ મોબલિચિંગ પર ચર્ચાની માંગને લઈને સંસદમાં હંગામો કરી રહ્યા હતા. તમામ પ સાંસદો પર સ્પીકર સુમિત્રા મહાજને સાંસદની કાર્યવાહીમાં બાધા નાખવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ટોળા દ્વારા કરાયેલા હુમલા બાદ હત્યાના કિસ્સા વધી રહ્યા છે. પીએમ ત્રણ વાર આ મુદ્દા પર બોલ્યા. પરંતુ કોઈ એકશન લેવાયો નથી. જ્યાર સુધી પગલા લેવામાં નહીં આવે આ ઘટનાઓ રોકાશે નહીં.
આજે લોકસભામાં બોફોર્સ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. જેને લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપી લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. આવતા ૩૦ વર્ષો સુધી તેમને આ મુદ્દો ઉઠાવવા દો.
સંસદમાં હોબાળો વધી જતાં સ્પીકર સુમિત્રા મહાજને સંસદની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી હતી.