(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ ઈઝરાયેલના પ્રવાસે જવા રવાના થયા કે તુરંત જ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ લોક સરકાર રચવાની જાહેરાત કરી હતી. હાલમાં સરકારી માળખામાં લોક સમસ્યાને વાચા આપવા અને લોકોની રજૂઆતોને વિરોધ પક્ષના નેતા લોક સરકાર WWW.LOKSARKAR.INના માધ્યમથી સરકાર સુધી પહોંચાડશે. લોક સરકાર વેબસાઈટ અંગે માહિતી આપતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને સરકારના કાન સુધી પહોંચાડવા, લોક વેદનાને વાચા આપવા, લોકો પ્રત્યે સરકારની જવાબદારી નક્કી કરવા, સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા અને સરકારી યોજના સરળતાથી લોકો સુધી પક્ષાપક્ષીથી પર રહીને પહોંચાડવાનો છે. આ સરકારમાં લોકશાહીનો મૂળ આધાર એવા લોકોની સદંતર અવગણના થઈ રહી છે. આથી લોક સરકારથી લોકશાહી પરંપરાને મજબૂત બનાવી સમાજને અશક્ત બનાવવાનો છે. ગુજરાતમાં ભાજપના ર૩ વર્ષના શાસનમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. સામાન્ય લોકો પાસે સરકારના અલગ-અલગ વિભાગોની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી જ નથી. પરિણામે સામાન્ય માણસ સરકારી વિભાગો વચ્ચે આંટાફેરા કરવા મજબૂર બની ગયો છે. સરકાર પ્રજાના પ્રશ્નો બાબતે અસંવેદનશીલ બની ગઈ છે. લોકો જેમ-તેમ કરીને પોતાની ફરિયાદ દાખલ કરવામાં સફળ થાય તો પણ આ ફરિયાદનું શું થયું અને નિકાલ કેટલા સમયમાં થશે તેની કોઈ જાણકારી નથી. લોકસરકારમાં તમામ વિભાગોની લોકોની ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. લોકોએ કરેલી ફરિયાદ અને રજૂઆતમાં તેમણે જે મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી આપ્યું હશે તેની પર એસએમએસ અને ઈ-મેલ દ્વારા તેમનો ફરિયાદ નંબર મળશે. આ ફરિયાદ જે-તે વિભાગના જવાબદાર અધિકારીને મોકલી અપાશે અને તેની નકલ પણ ફરિયાદ કે રજૂઆત કરનારને મળશે.
લોકસરકારમાં વધુમાં વધુ લોકો નોંધણી કરે તે માટે લોકસેવક નોંધણી, પ્રચાર સમિતિ નોંધણી, મીડિયા નોંધણી, આરટીઆઈ નોંધણી, એનજીઓ નોંધણી, રિસર્ચ ટીમ નોંધણી, વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકોની નોંધણી જેવી અલગ-અલગ કેટેગરી રાખવામાં આવી છે. જેથી સમસ્યા, ફરિયાદ રજૂઆત, પ્રચાર પ્રસારની માહિતી, આરટીઆઈની માહિતી માટે એકબીજાના પૂરક બની રહેશે. આ ઉપરાંત સરકારી અને જીવન ઉપયોગી વિભાગો જેવા કે સરકારી યોજનાઓ, એસટી, રેલવે, પોલીસ સ્ટેશન, સરકારી બેંકો, આરટીઓ કચેરીઓ, સરકારી હોસ્પિટલો, ફાયર સ્ટેશનો, શાળાઓ, ફરવા લાયક સ્થળો, એરલાઈન, યુનિવર્સિટીઓ, સર્કિટ હાઉસીસ, એટીએમ, જિલ્લા કોર્ટ, એસટી રેલવે એર બુકીંગ, હોટલ, ટેક્ષી, સિનેમા, રેસ્ટોરેન્ટ, હોસ્પિટલ જેવી રોજબરોજની તમામ જરૂરિયાતની માહિતી એક જ સ્થળેથી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત મીડિયા બુલેટીન પણ બહાર પાડવામાં આવશે. ઉપરાંત લોકોનો પ્રતિસાદ, સૂચનો પણ ધ્યાને લઈ લોક સમસ્યાના ઉકેલ માટે સરકાર પર દબાણ ઊભું કરવામાં આવશે. જો લોક સમસ્યાના સમાધાનમાં કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો સરકાર વિરૂદ્ધ જલદ આંદોલન પણ કરવામાં આવશે.