(એજન્સી) દિલ્હી, તા. ૨૨
દિલ્હીના આર્કબિશપ અનિલ કાઉટોએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પહેલા પ્રાર્થના કરવાની હાકલ કરતો રાષ્ટ્રીય રાજધાનીના બધી ચર્ચોને પાઠવેલા પોતાના પત્રનો બચાવ કરીને વિવાદ સર્જ્યો છે. કાઉટેએ જણાવ્યું કે ૮મી મેના તેમના પત્રનો કેન્દ્રની નરેન્દ્ર મોેદી સરકાર સાથે કોઇ લેવા દેવા નથી. તેમના પત્રમાં આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા સામે ભયના અશાંત રાજકીય માહોલને ધ્યાનમાં રાખીને ૧૩મી મેથી શરૂ થનારી પ્રાર્થના ઝુંબેશની હાકલ કરવામાં આવી છે. આર્કબિશપના આ પત્ર પર હવે રાજકારણ શરૂ થઇ ગયું છે અને ભાજપે પણ આ પત્ર અંગે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. દરમિયાન, આર્કબિશપની ઓફિસે પ્રાર્થનામાં કોઇ રાજકીય હેતુ હોવાનો ઇન્કાર કર્યો છે અને જણાવ્યું કે ચૂંટણીઓ પહેલાની આ સામાન્ય પ્રથા છે.
તેમણે જણાવ્યું કે આપણા રાષ્ટ્રના બિનસાંપ્રદાયિક માળખા અને આપણી લોકશાહીમાં લોકતાંત્રિત સિદ્ધાંતો સામે ભય ઊભા કરતા અશાંત રાજકીય માહોલ આપણે જોઇ રહ્યા છીએ. પત્રમાં રવિવારની જનસભામાં ખાસ પ્રાર્થના વાંચવાની પણ હાકલ કરવામાં આવી છે. પત્રમાં દર સપ્તાહના શુક્રવારે ઉપવાસ રાખવાની પણ વિનંતી કરવામાં આવી છે. પત્રમાં ઓછામાં ઓછું શુક્રવારે એક ટંકનું ભોજન છોડીને પોતાના અને દેશ માટે પ્રાર્થના કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. અનિલ કાઉટે જણાવ્યું કે હું વધુ શું વાત કરૂં, ચૂંટણી અને સરકાર અમારા માટે ચિંતાનું કારણ છે. અમને એવી સરકાર જોઇએ જે ખ્રિસ્તી લોકોની સ્વતંત્રતા, અધિકાર અને કલ્યાણ પર ધ્યાન આપે. હું પક્ષવાર રાજનીતિમાં પડવા માગતો નથી. અમે લોકો તો બસ એટલા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ કે આપણો દેશ યોગ્ય દિશામાં આગળ વધે. દરમિયાન, લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ જણાવ્યું છે કે તેમની સરકાર સમાવિષ્ટ વિકાસની દિશામાં કામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધર્મ અને જાતિના અવરોધો તોડીને કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સમાવિષ્ટ વિકાસ તરફ કામ કરી રહ્યા છે. નક્વીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે આપણે તેમને વિકાસશીલ માનસિકતા સાથે વિચારવાનું કહી શકીએ છીએ.