(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અપમાનજનક ટીપ્પણી કરનારા મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે પોતાના નિવેદનનો બચાવ કર્યો છે જેમાં તેમણે પીએમને અભણ કહ્યા હતા. નિરૂપમે કહ્યું કે, તેમણે વડાપ્રધાન માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે મર્યાદાભંગ નથી. આ લોકશાહી છે અને પીએમ લોકશાહીમાં ભગવાન નથી. બુધવારે સંજય નિરૂપમે જણાવ્યું હતું કે, જે બાળકો સ્કૂલ, કોલેજમાં ભણી રહ્યા છે તેઓને મોદી જેવા અભણ વિશે જાણીને શુ શીખવા મળશે ? એ ઘણી શરમની વાત છે કે, આપણા દેશના નાગરિકો અને બાળકોને એ પણ ખબર નથી કે, પીએમ મોદીની ડિગ્રી શું છે. ઉલ્લેખનીય છે કે, સંજય નિરૂપમે ફરી એકવાર વડાપ્રધાન મોદીની શૈક્ષણિક લાયકાત સામે સવાલ કર્યા હતા.
સંજય નિરૂપમે પુછ્યું કે, દિલ્હી યુનિવર્સિટી પીએમ મોદીની ડિગ્રી જારી કરવાના દબાણમાં હતી કે નહીં, જો બાળકો પીએમની શૈક્ષણિક લાયકાત અંગે સવાલો કરશે તો તમે શું જવાબ આપશો ? લોકોને તેમના શિક્ષણ વિશે જાણકારી જ નથી. એ કઇ શક્તિઓ છે જે દિલ્હી યુનિવર્સિટી પર પીએમની ડિગ્રી નહીં જારી કરવાનું દબાણ કરી રહી છે. જ્યારે યુનિવર્સિટી દાવો કરે છે કે, તેઓ અહીં ભણ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંજય નિરૂપમ મહારાષ્ટ્રના શાળાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ટેલી ફિલ્મ દેખાડવાના રાજ્ય સરકારના નિર્ણયની ટીકા કરી રહ્યા હતા અને અહીં તેમણે મોદીને નિરક્ષર ગણાવ્યા હતા. નિરૂપમે સમાચાર એજન્સીને કહ્યું કે, બળજબરીથી ફિલ્મ દેખાડવાનો નિર્ણય ખોટો છે. બાળકોને રાજનીતિથી દૂર રાખવા જોઇએ. મોદી જેવા નિરક્ષર વ્યક્તિ પર બનેલી ફિલ્મ જોઇને બાળકો શું શીખશે ? બાળકો અને લોકોને તો એ પણ ખબર નથી કે, વડાપ્રધાન પાસે કેટલી ડિગ્રીઓ છે. બાદમાં નિરૂપમે એવું પણ કહ્યું હતું કે, સત્તાધારી પાર્ટીને દરેક શબ્દ પર વાંધો ઉઠાવવાની કોઇ જરૂર નથી અને લોકશાહીમાં પીએમ ભગવાન હોતા નથી. ૨૦૧૬માં પણ નોટબંધી સમયે ૭૦ લોકોના મોત માટે નિરૂપમે મોદીને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે વડાપ્રધાન સામે હત્યાનો કેસ દાખલ કરવાની માગણી કરી હતી.