(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કર્ણાટક અને ગોવાના રાજકીય ઘમસાણ અંગે કોંગ્રેસે ગુરૂવારે સંસદ પરિસરમાં ધરણા યોજ્યા હતા. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસે આરોપ મુક્યો હતો કે ભાજપ કર્ણાટક અને ગોવામાં ધારાસભ્યોનું ખરીદ-વેચાણ કરી રહ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન બધા નેતાઓએ ‘લોકતંત્ર બચાવો’ના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે કર્ણાટક અને ગોવાના મુદ્દા સામે અમે વિરોધ કરી રહ્યા છીએ. દરમિયાન, સુપ્રીમકોર્ટમાં પહોંચી ગયેલા કર્ણાટકના રાજકીય ડ્રામા અંગે સુનાવણી કરતા સુપ્રીમકોર્ટે બધા જ બળવાખોર ધારાસભ્યોને ગુરૂવારે સાંજે છ વાગે વિધાનસભા સ્પીકર સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એવું પણ કહ્યું કે ધારાસભ્યો ઇચ્છે તો રાજીનામા આપી શકે છે. સુપ્રીમકોર્ટે ધારાસભ્યોને સુરક્ષા પુરી પાડવાનો પણ આદેશ આપ્યો છે. દરમિયાન, કર્ણાટક અને ગોવાની રાજકીય પરિસ્થિતિનો મુદ્દો લોકસભામાં શૂન્યકાળ દરમિયાન ઉઠાવવાની કોંગ્રેસના સાંસદોની વિનંતી ગૃહના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યા બાદ લોકસભામાં ઘોંઘાટભર્યા દ્રશ્યો સર્જાયા હતા. બંને રાજ્યોમાંની રાજકીય પરિસ્થિતિ સામેના વિરોધમાં કોંગ્રેસના સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.