(એજન્સી) ન્યુયોર્ક, તા.૭
અમેરિકાના જાણીતા મેગેઝિન ફોર્બસના તંત્રી સ્ટીવ ફોર્બસે ભારત સરકાર પર તીવ્ર પ્રહારો કરી કહ્યું છે કે તેણે નોટબંધી કરી ભારતીય ચલણને નબળું અને અનૈતિક બનાવી દીધું. ફોર્બસ મેગેઝિનમાં લોકોની સંપત્તિની મોટાપાયે ચોરી નામે લખેલા એક તંત્રીલેખમાં નોટબંધીના નિર્ણયથી આકરી ટીકા કરી છે. ફોર્બસે ભારતીય અમલદારશાહીને કુખ્યાત ભ્રષ્ટાચારી બતાવી હતી. તેમણે નોટબંધીના કારણે ઉદ્દભવેલ સ્થિતિનું વર્ણન કરતાં લખ્યું છે કે, તેનાથી લોકોના જીવ ગયા. એટીએમ આગળ લાઈનો થઈ. તેમજ નાણાંની તંગી ઊભી થઈ. ફોર્બસે નોટબંધીને ઈન્દિરા ગાંધીના અપ્રિય કાર્યક્રમ બંધ્યત્વ સાથે સરખાવી તેને નાઝી જેવો ગણાવ્યો હતો. જે વસ્તી વિસ્ફોટની સમસ્યા સામે અનૈતિક કાર્યક્રમ હતો. ફોર્બસે નોટબંધીથી સંખ્યાબંધ કંપનીઓ બંધ પડી અને કામદારોને નાણાં ન ચૂકવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કાયદાના અને ટેક્ષના અતિરેકની આકરી ટીકા કરી હતી. ટેરરીઝમ અંગે કહ્યું કે ચલણ બદલવાથી ત્રાસવાદીઓ દ્વારા આચરાતા ત્રાસવાદી કૃત્યો બંધ નહીં કરી શકાય. ડિઝિટીલાઈઝેશન અંગે કહ્યું કે મુક્ત બજાર તેનો ઉકેલ છે. ભારતે સંકુચિત ટેક્ષ નીતિ બદલવી પડશે. જે ટેક્ષ ચોરીનું કારણ છે. તેમણે સૂચવ્યું કે, ભારતે આવક અને ધંધાદારી ટેક્ષ દરમાં કાપ મૂકવો જોઈએ. ટેક્ષ માળખું બદલવાથી રૂપિયો સ્વીસ ફ્રાંકની માફક મજબૂત થશે. સરકારી અને આર્થિક વ્યવસાયમાં કેશ વિરોધી ઝુંબેશ આત્મઘાતી બની છે. ભારત તેના નાગરિકોને અનૈતિક નુકસાન તો કરે છે સાથે સાથે વિશ્વના દેશો માટે ખરાબ ઉદાહરણ સાબિત થયું છે.