(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મનોજ પ્રભાકરની પત્ની અને ૯૦ના દાયકાની બોલીવુડ અભિનેત્રી ફરહીન પ્રભાકર દિલ્હીના સાકેત મોલ પાસે લૂંટનો શિકાર બની છે. શનિવારે સવારે ૧૧ વાગ્યાના અરસામાં આ ઘટના ઘટી હતી. ફરહીન પોતાની કારમાં હતી ત્યારે આ ઘટના ઘટી હતી. કેટલાક બદમાશોએ કારને ટક્કર મારતાં તેણી બહાર આવતાં આ શખ્સો પૈકીનો એક શખ્સ પર્સ અને મોબાઇલ લઇ ભાગી ગયો હતો.
આ અંગે તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી રેકોર્ડીંગની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યા અનુસાર લૂંટની ઘટના અંગેની કડીઓ મળી છે અને ગણતરીના સમયમાં લુટારૂંઓને ઝડપી લેવામાં આવશે.
ફરહીન પ્રભાકર શનિવારે સવારે અંદાજે ૧૧ઃ૪૦ વાગ્યાના અરસામાં કાર સાકેત સિટી મોલ તરફ આવી રહ્યા હતા. મેક્સ હોસ્પિટલની સામે પ્રેસ એનક્લેવ રોડ પર કેટલાક યુવકોએ એમની ગાડીને ટક્કર મારી, ફરહીને જ્યારે કાર ઉભી રાખી અને તેણી બહાર આવી ત્યારે આ યુવકોએ તેણીના માથે મુક્કા માર્યા અને હાથમાં રહેલ બેગ અને મોબાઇલ લઇ ભાગી ગયા હતા. ફરહીને આ શખ્સોનો પીછો કરવા પ્રયાસ કર્યો પરંતુ અસ્થમાને લીધે તેણી વધુ દોડી શકી ન હતી અને રસ્તામાં પડી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેગમાં અંદાજે ૧૫ હજાર રૂપિયા અને દાગીના હતા. ફરહીને છેવટે એક રાહદારીના મોબાઇલ પરથી આ ઘટના અંગે પોલીસને જાણકારી આપી હતી. અહીં નોંધનીય છે કે, ફરહીને જાન તેરે નામ, સૈનિકમાં અક્ષય કુમાર સાથે લીડ રોલ કર્યો હતો. આ ઉપરાંત તેણીએ આગ કા તૂફાન, દિલ્હીની બાજી, તહકીકાત અને અમાનત જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.