(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામના નેશનલ હાઇવે ઉપરથી પસાર થતાં ટેન્કર ચાલકને બાઇક સવાર ત્રણ ઇસમોએ અટકાવી ચપ્પુના ઘા જીંકી રોકડા રૂપિયા નવ હજારની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ રાજસ્થાનના અજમેરના રહીશ જયસિંગ મહાવીરસિંગ રાઠોડ પોતે ટેન્કર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત રોજ રાત્રીના સુમારે તેઓ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામના નેશનલ હાઇવે ઉપરથી ટેન્કર લઇને પસાર થતાં હતા.ત્યારે ત્રણ અજાણ્યા મોટર સાયકલ સવારોએ તેમણે ઉભા રાખ્યા હતા.ત્યાર બાદ ત્રણેય અજાણ્યા મોટર સાયકલ સવારોએ ટેન્કરની કેબીનમાં ચઢી જઈ ચાલક ઉપર ચપ્પુથી હુમલો કરી ઘા જીંંકી રૂ.૯ હજાર રોકડાની લૂંટ કરી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત ટેન્કર ચાલકને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પલસાણા પોલીસને બનાવની જાણ થતાં તેમણે ઘટના આંગે ગુનો નોંધી વધુ તપાસ પો.સ.ઈ. એ.એમ. કામલીએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.