(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૧
શહેરના આજવા રોડ વિસ્તારની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં આજે સવારે ૧૦.૩૦ વાગ્યાના સુમારે ઘરમાં ચોરી કરવા ઘુસેલ શખ્સે મહિલાને મારમારી રોકડ અને દાગીના મળી રૂા.૪.૨૨ લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. અજાણ્યા લૂંટારૂ સામે મહિલાની ફરિયાદને આધારે બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર આજવા રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીનાં મકાન નં.એફ-૫૧ માં રહેતાં લીલાબેન દશરથસિંહ રાઉલજી આજે સવારે ૧૦.૩૦ વાગ્યાના સુમારે ઘરમાં એકલા હતા. તે વખતે રસોડાની પાછળનાં ભાગે બેડરૂમમાં ખખડાટ થતા તેઓ બેડરૂમમાં કોણ છે તે જોવા માટે ગયા હતા. અજાણ્યા શખ્સને રૂમમાં જોતા કોણ છે તેમ કહેતાં અજાણ્યા શખ્સે લીલાબેનના શરીર ઉપર ચોરસો ઓઢાડી દઇ તેમનું મોંઢુ ઢાકી દીધું હતું. અજાણ્યા શખ્સે લીલાબેનને લાતો અને મુક્કાથી મારમારી રોકડા રૂા.૧.૨૯ લાખ તેમજ સોનાનું મંગળસૂત્ર, ૨ નંગ પાટલા, સોનાની ચેઇન, બુટ્ટી મળી કુલ રૂા.૪.૨૨ લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. લૂંટારૂએ લીલાબેનને બેડરૂમમાં પુરી બારણું બંધ કરી ભાગી છુટયો હતો. આ બનાવ અંગે લીલાબેને બાપોદ પોલીસ મથકમાં અજાણ્યા લૂંટારૂ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.