અમદાવાદ,તા.૪
જો તમે વેપારી હોવ અને તમને ઓનલાઈન સસ્તો માલ ખરીદવા માટે દિલ્હી આથવા ગુડગાંવ ખાતે બોલાવામાં આવે તો ચેતી જજો-કેમ કે આવી જ રીતે ઓનલાઈન સસ્તો માલ ખરીદીના બહાના હેઠળ વેપારીઓને બોલાવી તેમનું અપહરણ કરી ખંડણી ઉઘરાવતી મેવાતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગના બે સાગરિતોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એસ.એલ. ચૌધરીએ ઓઢવ, સરખેજ અને આનંદનગર પોલીસ સ્ટેશનોએ નોંધાયેલા ગુના અંગે તપાસ કરતા આ ગુનાઓમાં હરિયાણા રાજયની મેવાતી ગેંગના માણસો હોવાનું બહાર આવ્યું હતું. આ ગેંગના સભ્યો વેપારીઓને હરિયાણામાં આવેલા અલવર, ગુડગાંવ વિલાસપુર, ફિરોજપુર, ભિવાડી તથા દિલ્હી ખાતે બોલાવી તેઓને રિસીવ કરવાના બહાને કાર મારફતે તેઓનું અપહરણ કરી લૂંટી લેતા હતા. તેમજ તે વેપારીઓ પાસેથી આંગડિયા પેઢી મારફતે મોટી રકમ પડાવતા હતા. તેવી ચોકાવનારી વિગતો બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે.એન. ચાવડા, પીએસઆઈ જે.એમ. પટેલ, પીએસઆઈ કે.એમ. બેરિયા સહિતની ટીમને દિલ્હી તથા હરિયાણામાં તપાસ કરવા માટે મોકલાઈ હતી. આ ટીમે દિલ્હી એરપોર્ટ નજીક શંકાસ્પદ કાર સાથે મુજમીલ ઉર્ફે કાલિયા સલમુદ્દીન મેઉ, તથા આરિફ ઈસાક મેઉ (બંને રહે હરિયાણા)ને ઝડપી પાડયા હતા. પૂછપરછમાં તેઓ કોઈ વેપારીને લેવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછ કરતા આરોપી મુજમીલ મેઉએ ઓઢવના વેપારી પાસેથી રોકડ સોનાની ચેઈન તથા આંગડિયા મારફતે રોકડ મંગાવી હોવાના બે ગુના કર્યાની કબૂલાત કરી છે તેમજ સરખેજ અને આનંદનગરના બે વેપારીઓ પાસેથી આંગડિયા મારફતે મોટી રકમ મંગાવી લૂંટ કરી હતી. આમ અમદાવાદ શહેરમાં કુલ ૪ ગુના અને ગુજરાતમાં અન્ય ૮ વેપારીઓ તથા અન્ય રાજયોના વેપારીઓ સાથે ર૦ જેટલા ગુના કર્યાની કબૂલાત કરી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી મેવાતી ગેંગના લીડરોને શોધવા તજવીજ હાથ ધરી છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ગુના કરવા માટે હરિયાણા રાજયમાં મેવાતી ગેંગ જેમાં રસીદખાન અયુબખાન મેઉ તથા રઈસખાન ઉર્ફે સંજય શર્માની ગેંગ મુસ્તાકખાન મેઉની ગેંગ કયુમખાન મેઉની ગેંગ લુકમાનખાન ઉર્ફે મોટુ મેઉ પૃથ્વી તથા ડમરૂની ગેંગ કાર્યરત હોવાનું અને દરેક ગેંગમાં પંદર જેટલા માણસો કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગના મુખ્ય લીડરો મોટે ભાગે જૈન અટક ધરાવતા વેપારીનું ખોટું નામ ધારણ કરતા અને ઈન્ડિયા માર્ટ તથા યલો પેજ નામની વેબ સાઈટ ઉપર પોતાની બોગસ કંપની બનાવી વેપારીઓ સાથે સંપર્ક કરતા હતા. તેમજ આવી વેબસાઈટો ઉપર વેપાર ધંધો કરતા વેપારીઓના નંબરો તથા ધંધાની વિગત મેળવી સસ્તા ભાવે માલ વેચાણ આપવાની લાલચ આપી દિલ્હી તથા હરિયાણાના આજુબાજુના વિસ્તારોમાં બોલાવડાવી પોતાના સાગરિતો મારફતે રીસીવ કરવાના બહાને કાર મારફતે અપહરણ કરાવી ફાર્મ હાઉસ તથા મકાનો ઉપર લઈ બંધક બનાવી લૂંટી લેતા હતા. તેમજ વેપારીઓ પાસેથી દિલ્હી ચાંદની ચોક વિસ્તારમાં આવેલા કોઈ આંગડિયા પેઢીમાં નાણાં મંગાવતા જે નાણાં મળી ગયા બાદ વેપારીઓને કોઈ અજાણી જગ્યા ઉપર છોડી દેતા હતા આવા ગુના કરવા માટે છરી તથા રિવોલ્વર જેવા હથિયારોનો ઉપયોગ કરતા હતા.