અંકલેશ્વર, તા.૫
વાલિયાના સીલુડી ગામના યુવાનનું દક્ષિણ આફ્રિકામાં લુટના ઇરાદે આવેલા લુટારૂઓએ હત્યા કરતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.
વાલિયા તાલુકાના સીલુડી ગામે રહેતો ૩૬ વર્ષીય શોકત આદમ મમુઝી છેલ્લા એક વર્ષથી વ્યવસાય અર્થે દક્ષિણ આફ્રિકાના મોઝામ્બીકમાં સ્થાયી થયો હતો દરમ્યાન ગત રોજ લુટના ઈરાદે આવેલા નીગ્રોએ તેના પર હુમલો કર્યો હતો જેમાં યુવાને લુટારૂનો પ્રતિકાર કરતા લુટારુઓએ તેની હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.મૃતક યુવાન ૩ સંતાનોનો પિતા હતો ત્યારે વાલિયાના સીલુડી ગામે રહેતા તેઓના પરિવારજનોમાં ગમગીની જોવા મળી રહી છે. મૃતક યુવાન દક્ષિણ આફ્રિકામાં એકલો જ રહેતો હતો. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર વધી રહેલા હુમલાઓને જોતા સ્થાનિક લોકોની માંગ છે કે વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે સરકાર પગલાં ભરે તેવી માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હમણા થોડા દિવસ અગાઉ આફ્રિકાના વિવિધ દેશોમાં વસતા ભરૂચી વ્હોરા પટેલ તથા અન્ય ગુજરાતીઓ પર વધતા હુમલાના બનાવો સંદર્ભે ભરૂચ જિલ્લાની સંસ્થાઓ દરેક જિલ્લામાં કલેકટરને આવેદન પાઠવી તેઓની સલામતી અને સુરક્ષા માટે માંગ કરી હતી.