(સંવાદાતા દ્વારા) અંકલેશ્વર, તા. ૧ર
ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગત મધ્યરાત્રીના લુટારુઓએ આતંક મચાવ્યો હતો.કંપનીમાંથી કીમતી પાઈપની ચોરી કરી ફરાર થઇ રહેલા લુટારુઓને સિક્યુરીટી ગાર્ડ અંક્તિ જોગી અને રામપ્રકાશ પાલે પડકાર્યા હતા.લુટારુઓ ત્રણ થી ચાર બાઈક પર ફરાર થઇ જતા બંને સિક્યુરીટી ગાર્ડે તેઓનો પીછો કરતા કંપની નજીકની અવાવરું જગ્યાએ લુટારુઓએ તેઓ પર હુમલો કરી દીધો હતો જેમાં સિક્યુરીટી ગાર્ડ રામપ્રકાશ પાલને ધારિયાના ઘા વાગતા તેનું મોત નીપજ્યું હતું.આ તરફ પોલીસ પણ બનાવની જાણ થતા ખાનગી વાહનમાં ઘટના સ્થળે પહોચી હતી તો લુંટારૂઓએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો જેમાં પોલીસની ખાનગી ગાડીના કાચ તૂટ્યા હતા.ગોફણની માળથી લુટારુઓએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.બનાવની ગંભીરતા સમજી ડીવાયએસપી એલ.એસ.ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને સિક્યુરીટી ગાર્ડ રામપ્રકાશ પાલને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો .ઝઘડીયા પોલીસે બનાવ અંગે લુટ વિથ મર્ડર તેમજ પોલીસ પર હુમલાનો ગુન્હો દાખલ કરી તપાસ શરુ કરી છે