અમદાવાદ,તા.૯
અમદાવાદ બારેજા હાઇવે પર આવેલી સોસાયટીમાં રહેતા એક વેપારીને ઘરની બહારથી જ લૂંટી લેવાયો હોવાની ઘટના સામે આવી છે. વેપારી દુકાનેથી ઘરે આવી બહાર એક્ટિવા પાર્ક કરતા હતા બાઈક પર આવેલા બે શખ્સ રૂ. છ લાખ ભરેલા થેલાની લૂંટ કરી ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અસલાલી પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. થેલામાં છ લાખ રૂપિયા હોવાની આરોપીઓને જાણ હોવી જોઇએ અને તેથી તેમણે આ અંગે અગાઉથી જાણકારી રાખી હશે અને વેપારીની રેકી કરી હશે તેવું પોલીસનું માનવું છે, તેથી પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ બારેજા હાઇવે પર આવેલી શિવપુર સોસાયટીમાં ગિરીશભાઈ વાડીલાલ પટેલ (ઉ.વ.૬૧) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ બારેજા ગામમાં પાન- મસાલાની ચીજ વસ્તુઓની એજન્સી ધરાવી વેપાર ધંધો કરે છે. ગઈકાલે રાતે તેઓ દુકાનેથી ઘરે આવવા નીકળ્યા હતા. તેઓ તેમની સોસાયટીમાં ઘર પાસે પહોંચ્યા હતા. દરમ્યાનમાં સોસાયટીમાં બાઈક પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. ગિરીશભાઈ ઘરની બહાર એક્ટિવા પાર્ક કરતા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખ્સમાંથી એક શખ્સ તેમની પાસે આવ્યો હતો અને અચાનક જ રૂ. છ લાખ રોકડ, અગત્યના કાગળો અને ચાવી ભરેલો થેલો ઝૂંટવી બાઈક પર બેસી ફરાર થઇ ગયા હતા. લૂંટ થતા ગિરીશભાઈએ બુમાબુમ કરી હતી જેથી સોસાયટીના રહીશો બહાર દોડી આવ્યા હતા. જો કે, લૂંટારુઓ બાઈક પર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસને જાણ કરાતાં અસલાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના અને રોડ પરના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે સ્થાનિક રહીશોના પણ નિવેદન લઇ પૂછપરછ હાથ ધરી હતી.
ઘરની બહાર વેપારી પાસેથી છ લાખની દિલધડક લૂંટ

Recent Comments