પાલેજ, તા.ર૭
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ ટાઉનમાં ભરૂચના પરિએજ ગામના બે સગા ભાઈઓ પર લૂંટના ઇરાદે આવેલા નિગ્રો જાતિના લૂંટારાએ હુમલો કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પરિએજ ગામના તૌસીફ યુનુસ હવેલીવાળા તેમજ હારૂન યુનુસ હવેલીવાળા છેલ્લા ચાર વર્ષથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ટાઉનમાં રોજી માટે સ્થાયી થયા છે. તૌસિફ નામનો યુવક એક શોપ પર સર્વિસ કરે છે જ્યારે તે ઘરની બહાર બેઠો હતો ત્યારે અચાનક નિગ્રો જાતિના લૂંટારૂઓએ આવી તેઓ સાથે ઝપાઝપી કરતા તૌસિફનો ભાઈ હારૂન અવાજ સાંભળી બહાર આવતાં હારૂન પર નિગ્રો જાતિના લોકોએ ફાયરિંગ કરતાં તેને પગમાં ગોળી વાગી હતી.
જ્યારે તૌસિફને ગનનો કુંદો માર્યો હતો. તૌસિફ જ્યારે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના બની હતી લૂંટારૂઓ મોબાઈલ ફોન તથા પર્સ આંચકીને પલાયન થઇ ગયા હતા. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા ખાતે રોજી માટે સ્થાયી થયેલા ખાસ કરી ભરૂચ જિલ્લાના યુવાનો ઉપર છાશવારે હુમલાઓની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે જ્હોનિસબર્ગ ખાતે બનેલી ઘટનાથી રોજી રળવા ગયેલા યુવાનોના પરિવારજનો ઘેરી ચિંતામાં મુકાયા છે.