(એજન્સી) નવી દિલ્હી, તા.૪
આજે મુંબઈમાં ગણપતિ વિસર્જન સમયે લાઉડ સ્પીકરો વગાડી શકાશે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ ઉપર મનાઈ હુકમ જાહેર કર્યું છે. બોમ્બે હાઈકોર્ટે વિસર્જન વખતે લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર વચગાળાનો પ્રતિબંધ મૂકતો ચુકાદો આપ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે ૧લી સપ્ટેમ્બરના રોજ નોઈઝ પોલ્યુશન નિયમો હેઠળ ૧પ૭૩ શાંત જાહેર કરાયેલા વિસ્તારોના અનુસંધાને ગણપતિ વિસર્જનના દિવસે લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની બેંચે સામાજિક કાર્યકરોને નોટિસ મોકલાવી છે. રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ચળવળકારી પાસેથી પ્રતિબંધની તરફેણમાં રજૂઆત કરવા જણાવ્યું છે. એ સાથે બોમ્બે હાઈકોર્ટને અન્ય આદેશો કરવાથી દૂર રહેવા તાકીદ કરી છે. વધારાના સોલિસિટર તુષાર મહેતાએ રાજ્ય સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, નિયમો ઉપર પ્રતિબંધ મૂકવા માટે હાઈકોર્ટે ભૂલ કરી છે જે ન કરવી જોઈતી હતી. જો સમગ્ર દેશમાં શબ્દશઃ રીતે નિયમોનો પાલન કરાવવાનો આગ્રહ રાખવામાં આવે તો તમે કોઈપણ સ્થળે કોઈપણ પ્રસંગે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી જ ના શકો. નાના દવાખાનાઓ, શાળાઓ અથવા કોર્ટ પરિસરમાં પણ એવું ઉપયોગ નહીં કરી શકાય. જેથી સમગ્ર દેશ જ સંપૂર્ણપણે શાંત થઈ જાય. સામાજિક કાર્યકર્તાઓ તરફથી રજૂઆત કરતા વરિષ્ઠ વકીલે જણાવ્યું કે, હાઈકોર્ટે ખરી રીતે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારના પ્રતિબંધો સુપ્રીમ કોર્ટે પણ ભૂતકાળમાં મૂકેલ છે. બેંચે વકીલને પૂછયું કે જો રાજ્યમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવાય તો એની શું અસર થશે. વકીલે કહ્યું કે, સરકાર ગણેશ વિસર્જન વખતે લાઉડસ્પીકરોના ઉપયોગની મંજૂરી આપશે. મહેતાએ કહ્યું કે, જો અમે કાયદાઓનો સખ્તીથી અમલ કરવા જઈશું તો કોઈપણ તહેવારની ઉજવણી કરી શકીશું નહીં. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકારે જે સુધારાઓ કર્યા છે એ પ્રાથમિક રીતે બંધારણના અનુચ્છેદ ર૧નું ઉલ્લંઘન છે. હાઈકોર્ટના આદેશથી ૧૦મી ઓગસ્ટ પહેલાની પરિસ્થિતિ પુનઃ સ્થાપિત થઈ હતી. ૧૦મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે નિયમો સુધારતો વટહુકમ બહાર પાડયો હતો. જેમાં શાંત વિસ્તારોને જાહેર કરવાની જવાબદારી રાજ્ય સરકાર ઉપર નાંખી હતી.