અમદાવાદ, તા.ર૩
સાબરમતી રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં સીટ નીચેથી એક નવજાત બાળકી મળી આવી હતી. આ મામલે નવો વળાંક આવ્યો છે. નવજાત બાળકીને ત્યજી દીધા બાદ એક સગીરા અને તેનો પ્રેમી વિસનગરમાં બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ગયા હતા ત્યારે પોલીસને શંકા જતા સઘન પૂછપરછમાં બંને પકડાઈ ગયા હતા. જો કે સગીરાને એક શખ્સ સાથે પ્રેમ સંબંધ બંધાતા તેની સાથે રહેતી હતી. તે દરમ્યાન ગર્ભવતી બનતા શખ્સે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારે સગીરાએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. તે વેળા તેની મુલાકાત વિસનગરના યુવક સાથે થઈ હતી. આ યુવક અને સગીરા બંને લગ્ન કરવા માંગતા હતા. એટલે બંને બાળકીને બિનવારસી મૂકીને જતા રહ્યા હતા.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પર બે દિવસ પહેલા સાફસફાઇ દરમિયાન પાટણ ડેમુ ટ્રેનમાં સીટ નીચેથી એક નવજાત બાળકી મળી આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રેલ્વે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી હતી. ત્યારે પોલીસે એક સગીરા અને તેના પ્રેમી યુવક રજનિકાંત મકવાણીને ઝડપી પાડ્યો છે. બન્ને શખ્સો બાળકીને પાટણ ડેમુ ટ્રેનમાં મૂકી ફરાર થઈ ગયા હતા. નોંધનીય છે કે બન્ને ટ્રેનમાં લવારીસ મૂક્યા બાદ વિસનગરમાં બાળકી ગુમ થયાની ફરિયાદ પણ નોંધવવા ગયા હતા. જેનાં આધારે બન્ને ઝડપાઈ ગયા છે. રેલવે પોલીસનું કહેવું છે કે સગીરા મુળ અમદાવાદની રહેવાસી છે. દોઢ વર્ષ પહેલા રીક્ષા ડ્રાઈવર હિમાંશુ પટેલ નામના વ્યક્તિ સાથે રાણીપમાં ભાડે મકાન રાખી રહેતી હતી. હિમાંશુ પટેલ સાથે સંબંધમાં તેને આ બાળકી રહી ગઈ હતી. પરંતુ ત્યારબાદ હિમાંશુએ લગ્નની ના પાડી દેતા સગીરાની સિવિલ હોસ્પિટલમાં વિસનગરના રહેવાસી રજનીકાંત સાથે મુલાકાત થઈ હતી. સગીરાએ ૮ ઓગસ્ટના રોજ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો અને પિતાનું નામ હિમાંશુ પટેલ લખાવ્યું હતું. રજનિકાંત અને સગીરા લગ્ન કરવા માંગતા હતા. રજનિકાંતના પરિવારજનો પણ તૈયાર થઈ ગયા હતા. પરંતુ આ બાળકીને સાથે નહીં રાખવા બન્નેએ નક્કી કર્યું હતું. જેથી ટ્રેનમાં બિનવારસી મૂકી જતા રહ્યા હતા. હાલ પોલીસે હિમાંશુ પટેલની શોધખોળ હાથ ધરી છે. અધિકારીઓનું કહેવું છે કે હિમાંશુ પટેલની ધરપકડ બાદ તેના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. જો બાળકીનો પિતા નિકળ્યો તો તેની સામે પોસ્કો સહિત બળાત્કાર અને અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.