(એજન્સી) તા.૩૦
આ મહિનાની શરૂઆતમાં અબુધાબી પહોંચી ઈસ્લામ સ્વીકારી લેનાર દિલ્હીની ૧૯ વર્ષીય ખ્રિસ્તી યુવતીએ તેના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્માંતરણના અહેવાલોને ફગાવતા કહ્યું હતું કે તે તેના પ્રેમી માટે યુ.એ.ઈ. આવી હતી. કીયાની બેની નામની આ યુવતીએ કહ્યું હતું કે આ અહેવાલો સાચા નથી. હું મારી મરજીથી અબુધાબી આવી છું. કોઈએ પણ મારી સાથે બળજબરી કરી નથી. હું ભારતની એક પુખ્તવયની નાગરિક છું અને મારા નિર્ણયો હું પોતે લઈ શકું છું. દિલ્હીમાં આવેલી જીસસ એન્ડ મેરી કોલેજની વિદ્યાર્થિની કીયાનીએ ૧૮ સપ્ટેમ્બર સુધી કોલેજમાં હાજરી આપી હતી. આ જ દિવસે તે ફલાઈટમાં અબુધાબી પહોંચી ગઈ હતી. ત્યાં તેણે અબુધાબીના એક વ્યાપારી સાથે લગ્ન કરી લીધા હતા. તે ૯ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે આ વ્યાપારીના પરિચયમાં આવી હતી. કીયાનીએ તે લવજેહાદનો ભોગ બની હોવાની અફવાઓનું ખંડન કર્યું હતું. કીયાનીએ કહ્યું હતું કે, આ લવજેહાદ નથી હું ઈસ્લામ ધર્મને પસંદ કરૂં છું અને આથી જ હું અહીં આવી ગઈ.