પ્રદર્શન અને રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન લવાતા ઉમેદવારો અકળાયા

અમદાવાદ, તા.ર૧
રાજ્યમાં કોરોના કાળમાં પણ આંદોલનો સમવાનું નામ નથી લેતા જેણે સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. આંગણવાડી બહેનો અને આશાવર્કરો હોય કે એચ-ટીએટી આચાર્યો કે પછી વીજકર્મીઓ દરેક કર્મીવર્ગ પોતાના પ્રશ્નો અને માંગોને લઈ સરકાર સામે આંદોલનરૂપી હથિયાર ઉગામે છે, ત્યારે એલઆરડી પુરૂષ ઉમેદવારોએ ભરતી બાબતે અન્ન-જળ ત્યાગ કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા ઘણા સમયથી એલઆરડી પુરૂષ ઉમેદવાર તેમની બેઠક વધારવાના મામલે આંદોલન કરી રહ્યા છે. પણ તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા તેઓએ ચીમકી ઉચ્ચારી છે. એલઆરડી પુરૂષ ઉમેદવારો અવાર-નવાર ગાંધીનગર ખાતે પોતાનો અવાજ બુલંદ કરી ચૂકયા છે. પરંતુ પોલીસ દ્વારા તેમની વારંવાર અટકાયત કરી ઘરે પરત કરી દેવામાં આવે છે. ગુજરાત પોલીસમાં એલઆરડીની ભરતી પ્રક્રિયા વખતે ૯૭૧૩ જેટલા ઉમેદવારોની જગ્યા પાડવામાં આવી હતી. જે પૈકી ૬૬૩૬ જગ્યાઓ પુરૂષો માટે તથા ૩૦૭૭ જેટલી જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી હતી. પરંતુ આ મામલે મહિલા ઉમેદવારોએ વિરોધ કરતા સરકારે નિર્ણય લઈ ૨૪૮૫ બેઠકો વધારી દીધી હતી. જેથી મહિલાઓને મળેલા ૩૩ ટકા આરક્ષણની જગ્યાએ ૪૬ ટકા શીટો રિઝર્વ થઈ ગઈ હતી. જેથી પુરૂષ ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાથી તેઓ ગાંધીનગર ખાતે આ મામલે અવાર-નવાર આંદોલન કરી ચૂકયા છે. સૂત્રો અનુસાર અનલોક બાદ એલઆરડી પુરૂષ ઉમેદવારોની આંદોલન ચલાવે એ પહેલાં જ તેમની અટકાયત કરી દેવામાં આવે છે. છેલ્લા ૧૦ દિવસમાં ૧૦૦થી વધુ આંદોલનકારી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. જેથી આ મામલે આગામી સમયમાં એલઆરડી ઉમેદવારોએ અન્ન-જળ ત્યાગની ચીમકી ઉચ્ચારી છે.