ગાંધીનગર, તા.રર
એલઆરડી ભરતીનો મુદ્દો હવે ફરીથી ગાંધીનગરમાં ઊઠ્યો છે. એસસી/એસટી અને ઓબીસી વર્ગની મહિલાઓના આંદોલનના કારણે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સીટમાં વધારો કરવામાં આવ્યો હતો. એલઆરડીના મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં બે મહિના જેટલો સમય ઉપવાસ આંદોલન અને ધરણા પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ સરકારે મહિલા ઉમેદવારોની બેઠકમાં વધારો કરતા મહિલા ઉમેદવારોનું આંદોલન પૂર્ણ થયું હતું. ત્યારબાદ એલઆરડીના પુરૂષ વર્ગના ઉમેદવારોએ સરકારની સામે મોરચો માંડ્યો હતો અને મહિલાઓની બેઠકમાં વધારો કરાતા પુરૂષોની બેઠકમાં પણ વધારો કરવાની માંગ કરી હતી. ત્યારે હવે કોરોનાની મહામારી વચ્ચે એલઆરડી પુરૂષ ઉમેદવારોએ ગાંધીનગરમાં ન્યાયની માંગ સાથે વિરોધનો કાર્યક્રમ કર્યો હતો. જો કે, ઉમેદવારો વિરોધ કરે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, એલઆરડીમાં પુરૂષ ઉમેદવારોની બેઠકમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે એલઆરડી પુરૂષ ઉમેદવારો ગાંધીનગરમાં સચિવાલયનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ ઉમેદવારો કોઈ વિરોધ કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે. ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર ૧ પર પહોંચ્યા ત્યારે જ તમામની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા ૭૦ કરતા વધારે એલઆરડી પુરૂષ વર્ગના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. સચિવાલયના ગેટ પર એકઠા થઈને તમામ પુરૂષ ઉમેદવારોએ ન્યાય આપોના નારા પણ લગાવ્યા હતા. ઉમેદવારોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારી મૂળ માગણી અમારી બેઠકો વધારવાની છે. અમે છેલ્લા છ મહિનાથી આંદોલન કરી રહ્યા છીએ. છતાં પણ સરકાર અમારી સામે જોતી નથી. અમે ટ્‌વીટર પર ટ્રેન્ડમાં આવ્યા છતાં પણ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. અમારો ૩૩-૬૮નો રેશિયો મહિલા ઉમેદવારોની બેઠકમાં વધારો કરતા જળવાયો નથી, જેના કારણે અમારી સાથે અન્યાય થયો છે. બંધારણનો ભંગ થયો છે. ઘણા સમયથી અમે પ્રયત્નો કરીએ છીએ અને સરકાર આ બધુ જાણીજોઈને કરે છે, એટલે હવે જે કંઈ પણ થાય તેની જવાબદાર સરકારની છે. બંધારણ અનુસાર ૬૮% પુરૂષ અને ૩૩% મહિલાઓની જગ્યા હોય છે, પરંતુ સરકારે પાછળથી મહિલાઓની સંખ્યામાં વધારો કરીને બંધારણનો ભંગ કર્યો છે. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઘરે જવાના નથી.