(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૧
LRD ભરતીમાં થયેલ અભ્યાસ મુદ્દે થઈ રહેલા ઘમસાણાનાં પડધા રાજ્યભરમાં પડ્યા છે. આંદોલન સીટી બની ગયેલ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન થયા છે. છતાંય સરકારે દિલાસો આપ્યા સિવાય બીજી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. જેથી હવે સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યનાં ત્રણ ધારાસભ્યોએ સરકાર સામે બાંયો ચડાવી છે. અને આ ભરતીનાં વિરોધમાં તા.૧૨-૨-૨૦થી ૭૨ કલાકનાં પ્રતિક ઉપવાસ કરવાની ચિમકી ઉચ્ચારતું આવેદનપત્ર મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીને પાઠવાયું છે. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર રાજ્યના લોકોના હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર સંવેદનશીલ બની સંવિધાનનું રક્ષણ કરે તે ખૂબ જરૂરી છે. આજે રાજયમાં લાખો યુવાનો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા છે. આ બેરોજગાર યુવકો અને યુવતીઓના આંદોલનના અધિકારો પણ છીનવી લેવામાં આવ્યા છે. તેમના ઉપર રાજ્ય સરકાર દ્વારા બેરહેમી પૂર્વક અત્યાચારો ગુજારવામાં આવી રહેલ છે. રાજ્ય સરકારના અવિચારી અને દિશાહિન નિર્ણયોના કારણે રાજ્યમાં સમાજ-સમાજ વચ્ચે ઘૃણાના બિજ રોપાયા છે. આઝાદ ભારતમાં ગુજરાત રાજ્યે ક્યારેય આવી પરિસ્થિતિ જોઈ ન હતી તેવી પરિસ્થિતિનું નિર્માણ આજે થઈ રહ્યું છે.
રાજ્ય સરકારની સંવેદનાને જાગૃત કરવા તેમજ ગાંધીનગર ખાતે એલઆરડી ભરતી મુદ્દે આંદોલન કરી રહેલ ગુજરાતની દીકરીઓને સમર્થન આપવા અને રાજ્ય સરકારના તા. ૧-૮-૧૮ના અન્યાયી ઠરાવને રદ્દ કરવાના આહ્‌વાન સાથે અમે ધારાસભ્યો નૌશાદ સોલંકી દસાડા, ઋત્વિક મકવાણા ચોટીલા અને ચંદનજી ઠાકોર સિદ્ધપુર વિધાનસભા તા. ૧૨-૨-૨૦ સવારે ૧૦ઃ૦૦ કલાકથી ૭૨ કલાકના ઉપવાસનો પ્રારંભ કરીએ છીએ. જેની રાજ્ય સરકાર ગંભીર નોંધ લઈ તાત્કાલિક અસરથી આ ઠરાવને રદ્દ કરે.