(એજન્સી) ચંદીગઢ, તા.ર૬
પંજાબના લુધિયાણામાં અકાલી દળના કેટલાક સભ્યોએ મંગળવારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પૂતળા સાથે ચેડાં કરતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે. અકાલી દળના નેતાઓ ગુરદીપ ગોષ અને મીતપાલ દુગરીનો પૂતળા પર રંગનો છંટકાવ કરતો વીડિયો બહાર આવ્યો છે. આ ઘટના મુદ્દે એકની ધરપકડ કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે પોલીસને ઘટનાના આરોપીઓ વિરૂદ્ધ કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે. તેમણે ટ્‌વીટ કરી આ ઘટનાની ટીકા કરી હતી. આ ઘટના લુધિયાણાના સાલેમતબરી વિસ્તારમાં બની હતી. સ્થાનિક પોલીસે જણાવ્યા મુજબ વીડિયોમાં એક શખ્સ કહી રહ્યો છે કે, આ માણસ (રાજીવ ગાંધી) દિલ્હીમાં શીખોની હત્યા માટે જવાબદાર છે. આ તત્ત્વોએ ભારતરત્ન સન્માનિત પૂર્વ વડાપ્રધાનની પ્રતિમા દૂર કરવાની પણ માંગ કરી છે. કેટલાક સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ સ્મારકની સફાઈ કરી હતી જ્યારે કોંગ્રેસના લુધિયાણા પ્રમુખ ગુરપ્રીત સિંઘે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.