લુણાવાડા, તા.૧
લુણાવાડા ખાતે ભાજપના પ્રચારમાં ઉપસ્થિત રાજનાથસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.લુણાવાડા ખાતે રાજનાથસિંહનું પરંપરાગત રીતે પાઘડી અને તલવારથી સ્વાગત કર્યું હતું. તેમણે સભાને સંબોધતા જણાવ્યું કે, દેશનો વિકાસ દર આજે ૬.૩ પહોંચ્યો છે. તેને વધાવતા કહ્યું કે, નોટબંધી અને જીએસટી પછી વિકાસ દર પર અવળી અસર પડશે તેવું કેહનારના મોં બંધ થઇ ગયા છે અને આગામી ૨૦૧૯માં વિકાસ દર ૧૦ને પાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોટબંધીથી થોડી તકલીફ થઇ છે પરંતુ તેનાથી લાંબાગાળાનો ફાયદો છે. તેમણે રાહુલ ગાંધી પર વ્યંગ કરતા કહ્યું કે, માણસ બધી બાજુથી નાસીપાસ થાય ત્યારે તેને મંદિર સુજે તેમ રાહુલ ગાંધી મંદિરે મંદિરે ફરી રહ્યા છે. તેમણે હાર્દિક, જીગ્નેશ અને અલ્પેશના નામ લીધા વગર આડકતરો પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસે જેનો જેનો હાથ પકડ્યો છે તમામ ડૂબ્યા છે તેમ કહી ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીનું ઉદાહરણ આપ્યું હતું.
આ પ્રસંગે પ્રારંભમાં નરેન્દ્રસિંહ તોમરે પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મંત્રી તરૂણ ચુંગર, જિલ્લા ભાજપ પ્રમુખ જે.પી. પટેલ, પુરવઠા નિગમના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક તેમજ માજી ધારાસભ્યો કાળુભાઈ માલીવાડ અને સુરપાલસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.