(એજન્સી) તા.૩૦
શુક્રવારે મોડી રાત્રે મેરઠમાં સશસ્ત્ર લૂટારુઓએ જે નવોઢાને ઠાર મારી હતી તે ૨૨ વર્ષની ફરહાનાના પરિવારજનોએ સ્થાનિક લોકો પાસેથી નાણા એકત્ર કરીને ફરહાનાના નિકાહનું આયોજન કર્યુ હતું.ગાઝિયાબાદના નહાલ ગામના આર્થિક રીતે નબળા આ પરિવારમાં ૯ સંતાનોમાં ફરહાના સૌથી મોટી હતી.
સાંજે ૭ વાગ્યાની આસપાસ જ્યારે તેના સ્વસુર ગૃહે વિદાય આપવામાં આવી ત્યારે તે ખૂબ જ ખુશ હતી. ફરહાનાના પિતા છેલ્લા છ મહિનાથી બીમાર હતા એટલે દસના નગરપાલિકાના અધ્યક્ષ, નજીકના સિકરોદ ગામના લોકો અને સ્થાનિકોએ ફરહાનાના લગ્ન માટે જરુરી નાણાં એકત્ર કર્યા હતા એવું ફરહાનાના મામી જુબેદાએ જણાવ્યું હતું.
ફરહાનાના પરિવારે હજુ સોનીને રૂા. ૨૯૦૦૦ ચૂકવવાના બાકી છે. આ ઘટના બાદ ફરહાનાના માતા બાતો, પિતા ફરમાન અને ભાઇઓ ઊંડા શોક અને આઘાતમાં છે. ફરહાનાએ ધો.૫ સુધી જ અભ્યાસ કર્યો હતો પરંતુ દરરોજ ભરત ગૂંથણકામ કરીને તે રૂા.૫૦થી ૬૦ કમાતી હતી. પરિવાર ગરીબ હતો અને તેનો ભાઇ દૈનિક રોજમદાર તરીકે કામ કરે છે જ્યારે બીજો એક ભાઇ રીક્ષા ચલાવે છે એવું ફરહાનાના પિતરાઇ ભાઇ મોહંમદ વાહીદે જણાવ્યું હતું.
ફરહાનાના સસરા મહંમદ શમશાદે જણાવ્યું હતું કે પોતાના પુત્ર શાહઝેબ ખાતે તેના લગ્ન અંગેની દરખાસ્ત ૫-૬ મહિના પહેલા કરવામાં આવી હતી. ફરહાનાના ઘરે અમારી આગતા સ્વાગતા જે રીતે કરવામાં આવી હતી તે જોઇને અમો દંગ બની ગયા હતા પરંતુ અમારી આ ખુશી લાંબો સમય જળવાઇ ન હતી. હું નવયુગલની આગળની કારમાં હતો અને તેમની કાર પાછળ અમારા એક બીજા સંબંધીની કાર હતી. લૂટારુઓએ ફરહાનાને છાતીમાં ગોળી ધરબીને કારની બહાર તેને ધકેલી દીધી હતી. તેમણે મારા પુત્ર સાથે પણ ઝપાઝપી કરી હતી અને કાર સાથે નાસી ગયા હતા.
તેમની પાછળ જે કાર આવી રહી હતી તે ઘટના સ્થળે પહાેંચી ત્યારે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે તેમને લૂંટી લીધા ત્યારે ટેક્સી ડ્રાઇવરે કાર ઝડપથી હંકારી મૂકી નહીં તે આશ્ચર્યજનક છે. મેરઠની પોલીસે જણાવ્યું હતું કે હજુ સુધી આ ઘટનાના કોઇ મહત્વપૂર્ણ સુરાગ હાથ લાગ્યા નથી.