અમદાવાદ, તા.ર૭
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા કેબ ડ્રાઈવરની હત્યા કરીને કારની લૂંટ કરવાની ઘટનામાં સંડોવાયેલા યુપીની ફ્રેક્ચર ગેંગના બે આરોપીને લખનૌની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝડપી પાડ્યા છે. જો કે રીઢા આરોપીઓને પકડવા ગયેલી પોલીસ ઉપર પણ તેઓએ ફાયરિંગ કર્યું હતું. લૂંટ કરેલી કારને આરોપીઓએ વેચવા માટે એડવાન્સમાં પાંચ હજાર ઓનલાઈન મંગાવ્યા અને તે પૈસાથી હોટલમાં ખાવાનું ખાધું હતું. તા.ર૧ ઓગસ્ટના રોજ કાલુપુર રેલવે સ્ટેશનેથી કેબ ડ્રાઈવર સરફરાજ મનસુરીની કારમાં બેસીને બગોદરા જવા માટે બે શખ્સો નીકળ્યા હતા. જેઓએ ધોળકાના અરણેજ ગામની સીમમાં ડ્રાઈવર સરફરાજની હત્યા કરી કાર અને તેનો મોબાઈલ સહિતની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ફરાર આરોપીઓ એવા ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના મો. દાનિશ સન ઓફ મો. વાસીફ અને શાહરૂખ સન ઓફ અબ્દુલ રફીકને ઈલાહાબાદના પોંગહટ પુલ પાસેથી લખનૌની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ચોરીની કાર સાથે ઝડપી પાડ્યા હતા. અમદાવાદ પાસિંગની કાર જોઈને પોલીસે જેવા આરોપીઓની કારને રોકવાનો ઈશારો કર્યો કે આરોપી દાનિશ અને શાહરૂખે કારની અંદરથી જ પોલીસ ઉપર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમ છતાં લખનૌ પોલીસે બંને આરોપીઓ ઉપર ફાયરિંગ કરીને આખરે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ દાનિશ અને શાહરૂખની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓને ૮થી ૧૦ સભ્યોની યુપીમાં ફ્રેક્ચર ગેંગ છે. આ ગેંગે પ્રતાપગઢ, સુલતાનપુર, અમેઠી ઈલાહાબાદથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લૂંટ અને મર્ડર કર્યા છે. એક લૂંટ કર્યા બાદ આરોપી દાનિશ અને શાહરૂખ અમદાવાદ આવી ગયા હતા. તેઓએ તા.ર૧ ઓગસ્ટે સાંજે નારોલ ચોકડીથી છરી ખરીદી હતી અને રાત્રે કાલુપુર રેલવે સ્ટેશનેથી અમદાવાદથી બગોદરા જવા માટે કેબ દ્વારા એક ટેક્સી (સ્વીફ્ટકાર) ભાડે રૂા.રપ૦૦માં ભાડે કરી હતી. જેના માટે ડ્રાઈવર સરફરાજ મનસુરીને એડવાન્સમાં રૂા.પ૦૦ પણ આપ્યા હતા ત્યારબાદ કારમાં જ સરફરાજને દબોચી લઈ છરીના ઘા મારીને તેનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. તેમજ અરણેજ ગામ પાસે સરફરાજની લાશને ફેંકીને કાર અને તેનો મોબાઈલ લૂંટીને બંને આરોપી ફરાર થઈ ગયા હતા. વધુમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, કાર લૂંટીને તેઓએ ભરૂચ પહેલાં લોહીથી લથપથ કારના સીટકવર ખેતરમાં ફેંકી દીધા હતા. ત્યારબાદ નવાબપુર બોર્ડર નજીક તેઓએ આખી કારને ધોઈ નાંખી હતી અને તેમણે પણ કપડાં બદલી લીધા હતા ત્યારબાદ એક પેટ્રોલપંપ ઉપર કારને લાવારીસ મૂકીને બસ મારફતે સુરતમાં જઈને એક ઓળખીતાની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં રોકાયા હતા. બીજા દિવસે ફરીથી લાવારીશ મૂકેલી કાર મૂકી હતી ત્યાં જઈને કાર લઈ રવાના થયા હતા. જ્યાં રસ્તામાં પૈસા ખૂટી પડતા તેઓએ પ્રતાપગઢના બાબર નામના શખ્સને ચોરીની સ્વીફ્ટ કાર વેચવાની વાત કરી. એટલે બાબરે તેમણે બતાવેલા પેટ્રોલપંપના એકાઉન્ટ નંબર ઉપર રૂા.પાંચ હજાર મોકલ્યા હતા. જેમાંથી ડીઝલ પુરાવ્યા બાદ બાકીના રૂા.ર૪૦૦ રોકડા લઈને મધ્યપ્રદેશ પહેલાં એક ઢાબા ઉપર આવીને તેમણે ભોજન લીધું હતું ત્યારબાદ કાનપુર થઈને તેઓ બાબરને કાર વેચવા ઈલાહાબાદ આવ્યા હતા. તે દરમિયાન જ તેઓને લખનૌ પોલીસે દબોચી લીધા હતા. લખનૌ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આરોપીઓએ હત્યા કરી હતી તે સરફરાજ મનસુરીની જીજે ૦૧ એફટી પપ૭ર નંબરની કાર, તેનો મોબાઈલ, એક પિસ્તોલ, એક તમંચો, કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.