(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.૭
મહેસાણા-અમદાવાદ હાઈવે પર વોટર પાર્ક નજીક એસ.ટી. બસ હાઈજેક કરીને લૂંટ ચલાવવાની ઘટનામાં લૂંટ બાદ જે કારમાં લુટારાઓ ફરાર થઈ ગયા હતા તે ગાડી શુક્રવારે ખેરાલુ રોડ પરથી બિનવારસી હાલતમાં મળી આવી છે. જેમાંથી કેટલાક હીરાના પેકેટ અને ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે બીજી તરફ પાંચ જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે સૂત્રોમાંથી જાણવા મળેલી વિગત મુજબ અમદાવાદના રતનપોળમાં આવેલ વસંત અંબાલાલ, એચ. પ્રવિણ, જયંતી સોમા નામની આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસા અને પાલનપુરમાં આવેલી આંગડીયા ઓફિસોમાંથી સોના-ચાંદીના દાગીના અને ડાયમંડના પાર્સલ ભરેલા થેલા લઈને પાલનપુરથી અમદાવાદ જતી એક્ષપ્રેસ બસમાં બેઠા હતા. આ બસમાં સિદ્ધપુર, ઉંઝા અને ઉનાવાથી મુસાફરો બેઠા હતા. આજે મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહેલી આ બસમાં ઉનાવાથી બેઠેલા આઠેક મુસાફરો પૈકી એક વ્યક્તિ ઊભો થઈને બસચાલક પાસે પહોંચ્યો હતો અને ડ્રાઈવરના લમણે પિસ્તોલ તાકી ભાલરીયા નજીક બસ થોભાવી હતી. ત્યારબાદ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી પાંચ થેલાની લૂંટ કરીને પાછળ આવેલી એક્યુવી કારમાં બેસી નાસી છુટ્યા હતા. આ સંદર્ભે ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મંજિતા વણઝારાએ પોલીસની જુદી-જુદી ટીમો બનાવી લુટારૂઓને પકડવા સઘન તપાસ હાથ ધરી છે તથા જેમાં લૂંટમાં વપરાયેલ કાર બિનવારસી હાલતમાં ખેરાલુ પાસેથી મળી આવી છે. જ્યારે શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી સાંપડી છે.