મોરબી, તા. ર૧
મોરબીના લૂંટાવદર ગામ નજીક વેપારીની આંખમાં મરચું છાંટી સાત કિલો ચાંદીના દાગીનાની લૂંટ ચલાવનાર તેમજ વાંકાનેરમાં ઘરફોડ ચોરી કેસમાં એલસીબી ટીમે બે આરોપીને દબોચી લઈને વધુ પૂછપરછ ચલાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લૂંટાવદર ગામ નજીક થોડા દિવસો પૂર્વે વેપારીની આંખમાં મરચું છાંટી બાઈકમાં આવેલા શખ્શો સાત કિલો ચાંદીના દાગીના કિંમત રૂા.૧.૨૦ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. તેમજ વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં રોકડ ૧,૮૮,૦૦૦ અને સોનાના દાગીના મળીને કુલ ૨.૯૩ લાખની ઘરફોડ ચોરી થઇ હતી. જે મામલે તપાસ ચલાવતી એલસીબી ટીમને પીપળી ગામ પાસેથી બાઈકમાં સવાર ઈસમો સાગરસિંગ આલમસિંગ ડાવર અને ઇદં કડકસિંગ ઉર્ફે ઝહરસિંગ અલાવા (રહે. બંને જી.ધાર મધ્યપ્રદેશવાળા)ને ઝડપી લઈને તેની પાસેથી નંબર પ્લેટ વગરનું મોટરસાઈકલ તથા બે મોબાઈલ મળીને ૨૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ આરોપીઓની પૂછપરછ કરતા તેણે લૂંટાવદર ગામની લૂંટ અને વાંકાનેરની ચોરીની કબૂલાત આપી હતી. તેમજ તેણે લૂંટનો મુદ્દામાલ મધ્યપ્રદેશમાં જોબટમાં સોની વેપારીને વેચ્યાની પણ કબૂલાત આપી હતી. જ્યારે બે આરોપી ઉપરાંત અન્ય આરોપી ખીમન તુસુ મચ્છાર તથા દિલીપ અને મળીયાસિંગ (રહે. બધા મધ્યપ્રદેશ વાળા)ના નામો ખુલતા તેણે ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.