ભાવનગર, તા.૧૧
સોનગઢ તાબેના ઇશ્વરીયા ગામના પાટિયા પાસેથી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી નાસી છૂટેલ આરોપીઓને ભાવનગર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
બનાવની વિગત અનુસાર ગતરોજ જુદી-જુદી આંગડિયા પેઢીના કર્મચારીઓ આંગડિયાનો માલ લઇને તુફાન ગાડીમાં ભાવનગરથી ઢસા-રાજકોટ જતા હતા અને રાત્રીના સવા દશેક વાગ્યે સોનગઢ તાબેના ઇશ્વરીયા ગામના પાટિયા પાસે ચાર જેટલા ઇસમો પોલીસ ચેકિંગના નામે આંગળિયા કર્મચારીઓની ગાડી ઊભી રખાવી આંગળિયા કર્મચારીઓને તેના થેલા સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી તેઓ પાસે રહેલ લાલ કલરની ટોયટા ઇટીયોસ કાર રજી. નં.જીજે-૧-સીવાય-૧૫૬૩માં ચારેક આંગડિયા કર્મચારીઓને બેસાડી તેમાથી ત્રણ કર્મચારીઓને કારમાંથી ત્યાજ ઉતારી આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારી મનુભાઇ રામાભાઇ પટેલને કારમાં બેસાડી દેતા તેઓ પણ કારમાંથી ઉતરવા જતા તેઓને લાકડીના ઘૂસા મારી કારમાંથી ઉતારી ફરિયાદી પાસે રહેલ થેલો લઇ ઇટીયોસ કાર લઇ નાસી છૂટેલ ત્યારબાદ ફરિયાદી જે તુફાન ગાડીમાં જતા હતા તે ગાડી પાછળ આવતા ફરિયાદી તેમાં બેસી થેલો લઇ ભાગેલ કારનો પીછો કરતા આરોપીઓની ઇટીયોસ કાર ઇશ્વરીયા ગામ પાસે થોડે દૂર મેલડીમાંના મંદિર પાસે વળાંકમાં કાર મંદિર સાથે ભટાકાતા પાંચેય જણા કારમાંથી ઉતરી ફરિયાદીનો થેલો લઇને નાસવા જતા ફરિયાદી તથા તેની સાથેના માણસો તેનો પીછો કરતા થેલો મૂકીને રાત્રીના અંધારામાં ખેતરોમાં નાસી ગયેલ અને ફરિયાદીને તેનો મુદ્દામાલ ભરેલ થેલો સહી સલામત પરત મળી ગયેલ અને બનાવની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી ગયેલ આ બાબતે ફરિયાદી મનુભાઇ રામાભાઇ પટેલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરાવેલ હતી.
આ બનાવની જાણ થતાં ભાવનગર L.C.B. તથા S.O.G. તથા સોનગઢ તથા ઉમરાળા પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ફરિયાદી પાસેથી મળેલ હકિકત આધારે તથા આરોપીઓની ટોયોટા ઇટીયોસ કાર રજી. નં.જીજે-૧-સીવાય-૧૫૬૩ તથા તેના એન્જીન, ચેચીસ નંબર આધારે માલીકની વિગત મેળવી તથા ટેકનીકલ સોર્સ આધારે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) હારૂન ફતેમોહમ્મદ થૈબા/સંધી (ઉ.વ.૪૫) (રહે. રાજગઢી નગીના મસ્જિદની સામે તા. રાધનપુર જી. પાટણ), (૨) અલ્પેશ વિનુભાઇ પટેલ (ઉ.વ.૩૩) (રહે. ફીચોડ તા. ઇડર જી. સાબરકાંઠા), (૩) મુકેશ ચીમનભાઇ પટેલ (ઉ.વ.૨૯) (રહે. અમદાવાડ હીરાવાડી આશીર્વાદ ટેનામેન્ટની બાજુમાં સી/૧ મુળ ફીચોડ), (૪) મથુર મગનભાઇ પટેલ (ઉ.વ.૪૯) (રહે. સરદાર ચોક આશીર્વાદ ટેનામેન્ટ અમદાવાદ મુળ ફોડમ તા. ઇડર) (૫) અમરસંગ માવજીભાઇ પરમાર (ઉ.વ. ૫૭) (રહે. ઢાંકણકુંડા તા. શિહોર જી. ભાવનગર), (૬) અબ્દુલ્લા સુલેહમાન મરેડીયા (ઉ.વ.૩૬) (રહે. ભાગળ તા. જી. પાલનપુર), (૭) ફરહાન રૂકમાનભાઇ કડીવાલા (ઉ.વ.૩૩) (રહે. ભાગળ તા. જી. પાલનપુર)ને ઝડપી પાડ્યા હતા.
જેમાં આરોપી નં.૧ને આટકોટ ચોકડી ખાતેથી આરોપી નં.૨થી ૫ને ઢાંકણકુંડા ગામે આરોપી અમરસંગના ઘરેથી તથા આરોપી નં.૬ તથા ૭ને અમદાવાદ ખાતેથી દબોચી સોનગઢ પોલીસ સ્ટેશન લાવી જરૂરી કાર્યવાહી/પૂછપરછ કરી તમામને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલ ટોયટો ઇટીયોસ કિં.રૂા.૨,૫૦,૦૦૦/- તથા મારૂતી સ્વીફટ કાર નં.જીજે-૧૩-એનએન-૯૦૬૦ કિં.રૂા.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૦ કિં.રૂા.૧૨,૫૦૦/-ના કબજે કરવામાં આવેલ છે.