દાહોદ, તા.૬
દાહોદ શહેરમાં કોઈ ફિલ્મી સ્ટાઈલની જેમ ધોળેદહાડે રિવોલ્વર (પિસ્તોલ)ની અણીએ આંગણિયા પેઢીમાં લૂંટનો નિષ્ફળ બનાવ બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે આંગણિયા પેઢીના કર્મચારીઓની ભારે હિમ્મત અને લોકસહકારને કારણે પિસ્ટલ સહિત એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળી છે જ્યારે અન્ય એક ઈસમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો ઘટનાસ્થળે પોલીસ પહોંચે તે પહેલા મુટભેડમાં લૂંટારાને ઇજા થવા પામી છે તો લોકટોળાએ હિંમતભેર ઝડપાયેલા લૂંટારૂને થાંબલે બાંધી દીધો હતો. પોલીસે લૂંટારૂને હથિયાર સહિત કબજે લઇ શહેર પોલીસે સમગ્ર શહેર ફરતે નાકાબંદી કરી ભાગી છૂટેલા ઈસમને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડ્યો હતો.
દાહોદ શહેરના એમ.જી.રોડ જૂની કચેરી સામે આવેલ ખાંચામાં પટેલ માધવ મગન નામની આંગણિયા પેઢી કાર્યરત છે આ પેઢીમાં આજે બપોરે આશરે ત્રણ સાડા ત્રણ ની આજુ બાજુમાં બે અજાણ્યા ઈસમોં ગ્રાહકની જેમ બેગ લઈ આ આંગણિયા પેઢીમાં જઈ પૂર્વ આયોજિત યોજના મુજબ થોડી જ ક્ષણમાં એક ઈસમે સાથે લાવેલી પિસ્તોલ કાઢી અન્ય સાથીને ઈશારો કરી આંગણિયા પેઢીના કર્મચારી સામે તાકી લૂંટનો પ્રયત્ન કર્યો હતો પરિસ્થિતિ પામેલા પેઢીના કર્મચારીએ ટેબલ પર પડેલ ટેલિફોન ઉઠાવી રિવોલ્વર પિસ્ટલ સામે ધરી લૂંટારૂઓને પડકાર ફેંકતા ટેબલ ઉપર ચઢવાનો પ્રયાસ કરનાર લૂંટારૂને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો તો અન્ય સાથીદાર પણ ઉપર ચઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પેઢીના અન્ય કર્મચારી પણ સતર્ક થતા અને સામનો કરતાં ગભરાયેલા લૂંટારૂઓને ભાગવાની નોબત આવી હતી આ સમયે લૂંટારૂઓનો પીછો કરતા કર્મચારીઓની બૂમાબૂમથી એકઠા થયેલા લોકોએ એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જ્યારે અન્ય એક ઈસમ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો ઝડપાયેલા લૂંટારૂએ પોતાનું નામ માવી વસનાભાઈ માવજીભાઈ નેલસુર ગામનો અને હાલ લક્ષ્મી રેસીડેન્સી ઇન્દોર રોડ દાહોદ તથા સાથે આવેલ અને નાસી છૂટવામાં સફળ રહેનાર ઈસમ મૂળ વડવા નેલસુર ગામનો પિન્ટુ મનસુખ માવી હોવાનુ જણાવ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનામાં અન્ય ઈસમો સંડોવાયેલા છે કે કેમ આ લૂંટારૂઓ પાસે હથિયાર ક્યાંથી આવ્યો વગેરે તપાસ હાથ ધરી છે. દાહોદ શહેર પોલીસે બંને લૂંટારૂઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી ગઈ આગળની તપાસ હાથ ધરી છે.
દાહોદ શહેર પોલીસે પકડાયેલ લૂંટારો વસના ભાઈ માળી ત્રણ બાળકોનો પિતા હોવાનું તેમજ તેની પત્ની એમડીએમ મધ્યાન ભોજનમાં નોકરી કરતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસે પકડાયેલ બંને આરોપીઓ અગાઉ પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં આગળ તપાસ હાથ ધરી છે.