ભાવનગર, તા.૧૩
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ઘોઘા બંદર ખાતે રો-રો ફેરી સર્વિસનું હજુ કામ પૂર્ણ નથી થયું છતાં માત્ર દેખાડો કરવા ભાજપ સરકાર પ્રજાને મૂર્ખ બનાવવા અને ખોટો જશ ખાંટવા વડાપ્રધાન મોદીના હાથે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરવાના છે. આ અંગે મળતી માહિતી મુજબ આગામી ૧૬ કે ૧૭ ઓકટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરની પ્રજાને રો-રો ફેરી સર્વિસની લોકાર્પણવિધિ કરવા આવવાના છે. ઉપરાંત ભાવનગર શહેરમાં કદાચ નરેન્દ્ર મોદીનો રોડ-શો પણ યોજાય તેવી શક્યતા છે. ગત ચૂંટણીમાં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રપ જાન્યુઆરીના રોજ ઘોઘા ખાતે રો-રો ફેરી સર્વિસ પ્રોજેકટનું ખાત મુહૂર્ત કરેલ છે અને આદત મુજબ ખોખારા ખાઈને ખાત મુહૂર્ત વખતે જણાવેલ કે રો-રો ફેરી સર્વિસનું કાર્ય માત્ર ૧પ માસમાં પુરૂં થઈ જશે. પરંતુ ૧પ મહિનાને બદલે ૭૦ મહિનાના વહાણા વિતી ગયા પરંતુ ઘોઘા ખાતેની કામગીરી પૂર્ણ થઈ જ નથી. દહેજ ખાતે તો લિન્ક સ્થાપન ફિટ થઈ ચૂક્યો છે પરંતુ ઘોઘા ખાતે ૯૬૮ ટન વજન ધરાવતો ૯૬ મીટર લાંબો લિન્ક સ્થાપન થઈ શક્યો નથી. લિન્ક સ્થાન વિના વાહનો શિપ સુધી પહોંચી શકે નહીં આમેય ઘોઘાના દરિયા કિનારે પાણીમાં ભારે કરંટ છે અને લિન્ક સ્થાનને બદલે જેટી અને પોન્ટ્રનને જોડતો વોક-વે બનાવવામાં આવ્યો છે. આમાં પેસેન્જરને બોટ સુધી પહોંચવા માટે ચાલતા ચાલતા વોક-વે પસાર કરી પોન્ટ્રન પર જઈ અને પછી બોટમાં જવું પડશે. જે મુસાફરો માટે ભારે જોખમી સાબિત થશે. વિધાનસભાની ચૂંટણીનો પડઘમ વાગતાં છેલ્લા બે માસથી પ્રજાનો ભાજપ વિરૂદ્ધ મિજાજ જોવા મળે છે. લોકરોષનો સામનો કરતા ભાજપી નેતાઓની યાત્રા હોય કે લોકાર્પણ તેઓને પ્રજાવિરોધનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં મોદી અધૂરી કામગીરીવાળો સમગ્ર પ્રોજેકટ લોકાર્પણ કરી ફરી વચનોનો પટારો ખોલી નાખશે. એટલે જ રો-રો ફેરી સર્વિસ શરૂ કરાવવા જી-જાનથી કોશિષ કરી રહ્યા છે. આખો પ્રોજેકટ પુખ્ત ઉંમરનો નથી થયો પરંતુ બાલક અવસ્થામાં હોવા છતાંય લોકાર્પણ થવા જઈ રહ્યું છે.