(એજન્સી) ચેન્નાઈ, તા.૧પ
ડીએમકેના પ્રમુખ સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે, મોદીને સમાજવાદ, લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા પસંદ નથી તેઓ બસ પોતાના વિદેશ પ્રવાસોમાં વ્યસ્ત છે. સ્ટાલિને મોદીને નોન-રેસિડેન્ટ પ્રાઈમ મિનિસ્ટર ગણાવ્યા હતા. ઓગસ્ટમાં ડીએમકેનું નેતૃત્વ સંભાળ્યા બાદથી સ્ટાલીને કેન્દ્રની ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર સામે પોતાના વાકપ્રહારો તેજ બનાવ્યા છે. સ્ટાલીને જણાવ્યું હતું કે, મોદી માત્ર ઉદ્યોગપતિઓનું જ વિચારે છે. તેઓ અદાણી તથા અંબાણી વિશે જ વિચારે છે. અમે બિનનિવાસી ભારતીય વિશે સાંભળ્યું છે પણ મોદી બિનનિવાસી વડાપ્રધાન છે. સ્ટાલિને જણાવ્યું હતું કે, મને વડાપ્રધાનની ૮૪ વિદેશ યાત્રાઓ સામે કોઈ વાંધો નહોત જો તેઓ કોઈ નક્કર પરિણામ કે દેશ માટે સન્માન લઈને આવ્યા હોત. તેમણે વિદેશ પ્રવાસ પાછળ માત્ર કરોડો રૂપિયાનો ખર્ચ જ કર્યો છે. સ્ટાલિને એઆઈએડીએમકે સરકાર સામે પણ નિશાનો સાધતાં જણાવ્યું હતું કે, શાસક પાર્ટી કેન્દ્ર સરકાર પ્રત્યે નરમ વલણ અપનાવે છે.