(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
સુરતના કાપડના વેપારીઓ પર હવે વધુ એક પેમેન્ટ ક્રાયસિસની આફત આવવા પામી છે. અન્ય રાજ્યોના વેપારીઓ પાસેથી પેમેન્ટની ઉધરાણી કરવા જતાં માલ પરત મોકલાતાં વેપારીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં જીએસટી લાગુ કર્યા બાદ સુરતના કાપડ માર્કેટોના વેપારમાં કમસે કમ ૨૫ ટકાનો ઘટાડો થયાનું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત અન્ય રાજ્યોમાંથી સમયસર પેમેન્ટ નહીં મળતા વેપારીઓની હાલત કફોડી થઇ જવા પામી છે. છેલ્લા એક વર્ષથી કાપડ માર્કેટમાં પેમેન્ટની સમસ્યા વકરતા ઙવે વેપારીઓ અકળાયા છે. હાલમાં જ યાર્ન એસોસિયેશન દ્વારા એડવાંસ પેમેન્ટ માટે કોરો ચેક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કાપડના વેપારીઓ પણ પોતાના હિતમાં કોઇ નીતિ સંગઠન દ્વારા ઘડવામાં આવે તેવું વિચારાય રહ્યું છે.
દેશમાં જીએસટીના અમલને એક વર્ષથી વધુ સમય થઇ ગયો છે. ત્યારે ૧૦૦થી ૧૮૦ દિવસ સુધી કાપડનું પેમેન્ટ નહીં આપવાને કારણે માર્કેટના વેપારીઓની હાલત કફોડી થવા પામી છે. દિવસોને દિવસે માર્કેટમાં ઉઠમણાંની ચર્ચાઓ ચાલી રહ્યી છે. ત્યારે હવે ફરી પેમેન્ટની નવી ધારા નક્કી કરવી જ પડશે. થોડા દિવસ અગાઉ જ યાર્ન ડિલર્સ દ્વારા ૧૫ દિવસની પેમેન્ટ ધારા અને એડવાન્સ સિક્યુરિટી ચેક લેવાનો નવો નિયમ બનાવ્યો છે. તેવી રીતે જ કાપડ વેપારીઓ પણ કોઈ ધારા ધોરણ બનાવે તો જ પરિસ્થિતિમાં સુધારો થશે. વેપારી તરફથી માંગ ઉઠતા ફોસ્ટાએ નવા નિયમો તૈયાર કર્યા છે. જેમાં ૩૦ દિવસોમાં પેમેન્ટ ચૂકવણી કરી દેવાનું નક્કી કરાયું છે. આ સાથે વધારે છુટના ૧૫ દિવસ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે ફોસ્ટા પ્રમુખના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં વિવિધ માર્કેટના એસોસિએશન સાથે ચર્ચા કરીને નિયમોનું અમલીકરણ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ કાપડ માર્કેટમાં વેપારીમાં ઘટાડો થયો છે અને જો પેમેન્ટની પણ પરિસ્થિતિ નહીં સુધારે તો નાના વેપારીઓની હાલત કફોડી થઇ જશે.