બોડેલી,તા.૧૧
બોડેલીના અલીપુરા વિસ્તારના એક યુવાનને યુવતી બાબતે ઈસમો ગાડીમાં બેસાડી અપહરણ કરી વડોદરા લઈ જઈ ગડદાપાટુનો માર મારી ફરી બોડેલી લાવી મારમારી છોડી ઈસમો ભાગી ગયા હતા. ગામમાં હોબાળો થતા યુવાનના પરિવારજનો દોડી આવી યુવાનને ખાનગી દવાખાના સારવાર અર્થે લઈ ગયા હતા.
બોડેલીના અલીપુરા જનકલ્યાણ સોસાયટીમાં રહેતા જીજ્ઞેશ અરવિંદભાઈ પટેલને તેમના મિત્ર ચિરાગ ઉર્ફે જવા મુકેશભાઈ ભગતએ ફોન કરી અલીપુરા ચાર રસ્તા પર બોલાવ્યો હતો. ત્યારે અલીપુરા ચાર રસ્તા પર લાલ કલરની ગાડીમાં જીજ્ઞેશની સોસાયટીમાં રહેતો મેગી અને સમીર હાજર હતા. અને જીજ્ઞેશ કહેલ કે ચાલ વડોદરા જઈ તરત પાછા આવીશું, જીજ્ઞેશના મિત્ર એને ઓળખતા હોવાથી ગાડીમાં બેસી વડોદરા અટલાદરા રોડ પર અગ્રણી રેસીડેન્સીમાં એક ફલેટમાં લઈ જઈ ચારેય જણા એક રૂમમાં બેઠા હતા અને ચિરાગએ જીજ્ઞેશનો મોબાઈલ ફોન લઈ બીજા રૂમમાંથી એક ડંડો લઈ આવી જીજ્ઞેશના માથાના પાછળના ભાગે મારતા જીજ્ઞેશએ કહેલ કે તું મારો મિત્ર થઈ કેમ મારે છે ? ચિરાગએ જણાવેલ કે બોડેલી તાલુકાના ગાંધીનગરમાં રહેતા ઉમેશભાઈ પંડયાની પુત્રી અમારી કુટુંબી બહેન કીંજલ સાથે આડા સંબંધ કેમ રાખે છે કહીને ચિરાગએ લોખંડના સળિયા અને પાઈપ વડે માર મારવાનું ચાલુ કરતા ચિરાગ અને ઉમેશએ કહેલ કે તારી મસ્તી વધી ગઈ છે તેને જીવતો રાખીશું તો કીંજલ જોડે સંબંધ રાખીશ. આજે તને પતાવી દેવાનો છે. ચિરાગ અને ઉમેશ એ જીજ્ઞેશને પાછળના કમરના ભાગે લોખંડના પાઈપ અને ડંડા વડે ગડદાપાટુનો મારામારી બેભાન કરી ગાડીમાં બેસાડી જીજ્ઞેશને બોડેલી અલીપુરા ચાર રસ્તા પર છોડી દેતા ચાર રસ્તા પર હાજર જીજ્ઞેશના મિત્રોએ તેને ખાનગી દવાખાને લઈ ગયા હતા અને પોલીસ મથકે જાણ કરતા પોલીસે દવાખાને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.