માંગરોળ, તા. ૧
છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરતની વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક યા બીજા વિવાદોના પ્રશ્ને વર્તમાનપત્રમાં ચમકતી રહી છે.
પરંતુ ચાલુ વર્ષે બી.એડ.માં પ્રવેશ આપવા પ્રશ્ને યુનિવર્સિટીની કાઉન્સીલ સમિતિ નિષ્ફળ નિવડી છે. જેનો ભોગ અનેક વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ બન્યા છે. આ યુનિ.માં ૧૮ ફાયનાન્સ અને ૧ર સરકારી કોલેજો મળી કુલ ૩૦ કોલેજોનો સમાવેશ કરાયો છે. પ્રથમ રાઉન્ડ માટે ગત ૭-૪-ર૦૧૮ના રોજ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવા માટે જાહેરાત આપી હતી. તેમ છતાં બી.એડ.માં પ્રવેશ આપવાની પ્રક્રિયામાં કાઉન્સીલે ચાર-ચાર માસનો સમયગાળો પૂર્ણ કર્યો છે. બી.એડ.માં પ્રવેશ મેળવવા માટે અંતિમ તબક્કાની પ્રક્રિયા તા. ૩૧-૭-ર૦૧૮ના રોજ રાખવામાં આવી હતી. પરંતુ આયોજન બદ્ધ વ્યવસ્થાન હોવાથી સવારથી રાત્રી સુધી અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉભા રહીને દિવસ પસાર કરવો પડ્યો હતો. મોટા ભાગના વિદ્યાર્થી-વાલીઓ આખો દિવસ ભોજન લીધા વિના પસાર કરવાનો વખત આવ્યો હતો. વળી કાઉન્સીલે જે સમય આપ્યા હતા. તે સમયે પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ન હતી. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓને બપોરે ૧.૩૦ વાગ્યે બોલાવ્યા હતા. પરંતુ કાઉન્સીલની બેઠક છેક ૩.૧પ વાગ્યે શરૂ થઈ હતી. જે સાંજે ૬.૩૦ વાગ્યા સુધી ચાલી હતી. ત્યારબાદ સાયન્સના વિષયોનું કાઉન્સીલીંગ શરૂ કરાયું હતું. જે રાત્રી સુધી ચાલ્યું હતું. લાંબા સમયને પગલે એક વિદ્યાર્થીનીને ચક્કર પણ આવી ગયા હતા. આ ત્રીજો રાઉન્ડ હતો. મોટા ભાગના વિદ્યાર્થીઓએ ત્રણ-ત્રણ ધક્કાઓ ખાધા પછી પણ પ્રવેશ મળ્યો નથી. જ્યારે ત્રણ જેટલી ફાયનાન્સ કોલેજોની માન્યતાઓ રદ કરાઈ હતી, પરંતુ આ કોલેજલના સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવી, આ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ પ્રકારનો હુકમ લાવતાં કાઉન્સીલીંગે આ કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ચેતવણી આપી કે, પાછળથી હાઈકોર્ટનો જે હુકમ આવશે એ વિદ્યાર્થીઓએ માન્ય રાખવાનો રહેશે. યુનિ.ની કોઈ જવાબદારી રહેશે નહીં. બી.એડ.નું શત્ર શરૂ થયાને બે માસનો સમયગાળો વીતી ગયો છે, છતાં પ્રવેશ આપવાના કોઈ ઠેકાણા નથી. અંતિમ દિવસે દૂર-દૂરના ગામોથી આવેલા વિદ્યાર્થીઓએ એસટી બસના સમયે યુનિ.ઉપરથી જતાં રહેવાની નોબત આવી હતી. મોડી સાંજે કાઉન્સીલે રહેવાની નોબત આવી હતી. મોડી સાંજે કાઉન્સીલે જાહેરાત કરી કે, હવે માત્ર સેલ્ફ ફાયનાન્સની કોલેજોમાં બેઠકો ખાલી છે. અત્રેએ ઉલ્લેખનીય છે કે, સરકારી કોલેજોમાં વાર્ષિક આઠ હજાર રૂપિયા અને સેલ્ફ ફાયનાન્સમાં વાર્ષિક ત્રીસ હજાર રૂપિયા ફી છે. પરિણામે વિદ્યાર્થી વાલીઓ ચર્ચા કરતાં હતા કે, ફાયનાન્સ કોલેજોને ફાયદો કરાવવાના હેતુસર ઉપર મુજબની રમત રમવામાં આવી હતી. બી.એડ.માં પ્રવેશ આપવાના પ્રશ્ને યુનિવર્સિટીની કાઉન્સીલ સરિયામ નિષ્ફળ પુરવાર થઈ છે.