વેરાવળ, તા.ર
દેશના પશ્ચીમ અરબી સમુદ્રમાં માછીમારી માટે જતા ભારતીય માછીમારોને બોટો સાથે પાકીસ્તાન મરીન સિક્યુરિટી બંને દેશોની સમુદ્રી જળસીમા પરથી છાશવારે પકડી પાડે છે. આ ફિશિંગ બોટોના ખલાસીઓ (માછીમારો)ને પાકિસ્તાનના કરાંચીની દાંડી સહિતની જેલમાં પુરવામાં આવે છે. જયાં મોટાભાગે માછીમારોને દોઢેક વર્ષનો જેલવાસ બાદ મુક્ત કરવામાં આવે છે. તાજેતરમાં જ બંન્ને દેશોની સરકારના પ્રયાસોથી પાક.ની જેલોમાં બંદીવાન ૬૦૦થી વધુ બંદીવાન ભારતીય માછીમારો પૈકી ૩૫૫ ને મુક્ત કરવા નિર્ણય લીધેલ હતો. અગાઉ ત્રણ તબકકામાં ૩૦૦ જેટલા માછીમારો છેલ્લા ત્રણ સપ્તાહમાં મુકત થયા બાદ માદરે વતન પહોંચ્યા હતા. ત્યારબાદ આજે આ પૈકીના ચોથા તબક્કાના મુકત થયેલ વધુ ૫૫ માછીમારોનો બે દિવસ પૂર્વે ફીશરીઝ વિભાગના અઘિકારીઓએ અમૃતસર વાઘા બોર્ડર ખાતેથી કબજો મેળવ્યો હતો. મુકત થયેલા તમામ માછીમારોને અમૃતસરથી બરોડા ટ્રેન મારફત અને બરોડાથી ખાનગી ટ્રાવેલ્સ મારફત માદરે વતન આજે બપોરએ વેરાવળ ફીશરીઝ કચેરી ખાતે લઇ આવવામાં આવેલ જ્યાં જરૂરી કાર્યવાહી બાદ માછીમારોને તેમના સ્વાજનોને સોંપી દેવામાં આવેલ હતા. તે સમયએ ફીશરીઝ કચેરીના ગ્રાઉન્ડમાં વ્હેલીસવારથી એક ખુશીની લાગણી સાથે ઉત્સુકતાથી રાહ જોતા સ્વજનોનો ભેટો તેમના મુકત થયેલા સ્વજન એવા માછીમારો સાથે થતા હરખની હેલીનો માહોલ પ્રસરેલ નજરે પડતો હતો.
આજે મુકત થયેલ માછીમાર દુર્ગેશ જીવણ સહિતનાએ જણાવેલ કે, પાકીસ્તાનની જેલમાં હજુ ૧૫૦થી વધુ ભારતીય માછીમારો બંદીવાન છે. જેમાં અમુક તો અમારા બંધક થયા પહેલાથી બંદીવાન છે. જેથી વ્હેલીતકે તમામ બંદીવાન ભારતીય માછીમારોને ભારત સરકાર મુકત કરાવે તેવી લાગણી અને માગણી છે. પાકિસ્તાનની જેલમાં માછીમારો પાસે સાફ-સફાઇ, સેનીટેશનને લગતી કામગીરી દિવસભર કરાવવામાં આવતી હતી.
આજે મુકત થયેલા માછીમારોમાં ગીર સોમનાથના ૪૪, દિવના ૬, અમરેલીના ૩, પોરબંદરના ૧, રાજકોટના ૧ નો સમાવેશ થયો હોવાનું ફીશરીઝ અઘિકારી રાહુલ લશ્કરીએ જણાવેલ છે.