માળિયામિંયાણા, તા.ર૩
માળિયામિંયાણા મચ્છુ જળ હોનારતમાં હજારો મુંગા અબોલ પશુઓ મોતને ભેટ્યા, ગરીબ પરિવારોની ઘરવખરી સંપૂર્ણ નાશ પામી છે જ્યારે નેશનલ હાઈવેમાં ગાબડા પડ્યા હતા જ્યારે રેલ વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યો છે. જ્યારે માળિયામિંયાણાની કચ્છથી અમદાવાદ જતી રેલવે લાઈન મચ્છુના પાણીના પ્રવાથી સર્પાકાર બની નેશનલ હાઈવેમાં મસમોટા ગાબડા પડી જતાં રેલવે તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર માળિયામિંયાણા મચ્છુ નદીમાં ઘોડાપુર આવતા માળિયા સહિતના અનેક વાંઢ વિસ્તારો બેટમાં ફરતા જળ હોનારત જેવા દૃશ્યો સર્જાયા હતા અને લોકોના ઘરમાં મચ્છુ નદીના પાણી ઘૂસી જતાં તમામ ઘરવખરી નાશ થઈ હતી તેમજ હજારોની સંખ્યામાં મુંગા અબોલ પશુઓ મચ્છુ નદીના પાણીના પ્રવાહમાં તણાય જતાં મોતને ભેટ્યા હતા અને તંત્ર દ્વારા હેલિકોપ્ટર અને બોટથી રેસ્ક્યુ કરી વાંઢ વિસ્તારમાં ફસાયેલા અનેક પરિવારોના જીવ બચાવ્યા હતા. આ મચ્છુ જળ હોનારતથી નેશનલ હાઈવે બંધ થઈ જતાં અને કચ્છથી અમદાવાદ મુખ્ય રેલવે લાઈનનું ધોવાણ થઈ જતાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સંપર્ક તૂટી જતાં અનેક મુસાફરો ફસાયા હતા તેમજ માળિયામિંયાણાના હરિપર, કાજરડા, ખીરઈ, ફતેપર, નવા હંજીયાસર અને હંજીયાસર બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યા હતા અને ગરીબ પરિવારો ચાલુ વરસાદે જીવ બચાવવા પોતાના ઘર ઝૂંપડાઓ છોડીને આડોશી-પાડોશીઓના મકાનની છતનો સહારો લઈને પોતાના પરિવારના જીવનો બચાવ કર્યો હતો. ત્યારે મચ્છુ નદીમાં પાણી ઓસરતા માળિયાના વાડા વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તાર, ગુલાબડી વાંઢ, ખારાવાંઢ, રોલિયાવાંઢ, બેંગવાંઢ, માણેકવાંઢ, જખરિયાવાંઢ, ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર, કોળીવાસ, સંઘવાણિવાસ, પારેડીવાસ, માબાણીવાસ, બારોટવાસ, દલીતવાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં મચ્છુ નદીના પાણી ઘરમાં પાંચથી ૬ ફૂટ જેટલા ઘૂસી જતાં તમામ પરિવારોની સંપૂર્ણ ઘરવખરી અને ઈલેક્ટ્રિક સાધન સામગ્રી નાશ થતાં ગરીબ પરિવારો હિબકે ચડ્યા હતા.
મચ્છુ જળ હોનારતથી વાંઢ વિસ્તારમાં રહેતા અને ખેતી અને પશુપાલનના ધંધા પર નિર્ભર પરિવારોના હજારોની સંખ્યામાં માલ-ઢોર ખીલાઓ તોડી પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને દરેક વાંઢ વિસ્તારના લોકો પોતાના ઘરે દેશી મરઘાઓનો ઉછેર અને બકરાનો ઉછેર કરતા હોવાથી તમામ બકરા અને મરઘાઓના મોત થયા હતા, જેમાંથી અમુક મરઘાઓ ઉડીને ઝાડ પર બેસી જતા તેનો બચાવ થયો હતો. જ્યારે માળિયા નવા રેલવે સ્ટેશન વિસ્તાર, કાજરડા અને ખીરઈ ગામ પાસે આવેલા ચા મરઘા ઉછેર કેન્દ્રમાં મચ્છુ હોનારતથી તમામ મરઘા મોતને ભેટ્યા હતા.
મચ્છુ જળ હોનારતમાં નેશનલ હાઈવે પર ચારથી પાંચ ફૂટ પાણીના પ્રવાહથી નેશનલ હાઈવેમાં મસમોટા ગાબડા પડી જતા ખીરઈના પાટીયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હાઈવે પરનો વાહનવ્યવહાર શરૂ કરાવ્યો હતો જ્યારે રેલવેની મુખ્ય લાઈન પાણીના પ્રવાહથી સર્પાકાર બની જતા રેલવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને આઠેક દિવસ રેલવે ટ્રેનો બંધ રહેશે. મોરબી મુસ્લિમ સમાજના પ્રમુખ હસનભાઈ માલાણી, ચેરમેન ઐયુબભાઈ મોવર અને સેવાભાવી મુસ્લિમ યુવાનો જાવેદભાઈ ચાનીયા, ઈમરાનભાઈ મેર, મહંમદભાઈ બુખારી સહિતનાઓ અસરગ્રસ્ત ગરીબ પરિવારોને જમવાની અને ફુડ પેકેટની વ્યવસ્થા કરી હતી જ્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને કોંગ્રેસની ટીમ દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.