(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય સ્તરની ઉજવણી વડોદરામાં કરવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવલખી મેદાનમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને ૩૩ પ્લાટૂન્સના ગણવેશધારી જવાનોની સાથે દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ માછીમારો અંગે વિવિધ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે માછીમારી દરમિયાન મૃત્યુ પામનાર માછીમારોનો મૃતદેહ ન મળે તો સહાય મેળવવા પરિવારોને સાત વર્ષ સુધી રાહ જોવી પડતી હતી પરંતુ હવે એક જ વર્ષમાં મુખ્યમંત્રી રાહત નીધિમાંથી બે લાખ રૂપિયાની સહાય આપી દેવાશે.
મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને સ્વતંત્રતા પર્વ અને કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથે દેશની સ્વતંત્રતા માટેના સૌ બલીદાનીઓ અને સમર્પણ કરનારાઓને ભાવપૂર્ણ અંજલિ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના યુવાનો જોબસીકર નહીં પણ જોબગીવર બને તે માટે એમએસએમઈને પ્રોત્સાહિત કરવા રાજ્યના તાલુકાઓમાં દસ નવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરાશે અને પ્લગ અને પ્રોડ્યુસની નીતિનું અમલીકરણ કરવામાં આવશે.
રાજ્યની સરકારી કોલેજીસ અને યુનિવર્સિટિઝના કેમ્પસીસને સરકારના ખર્ચે વાઈફાઈની સુવિધાથી સુસજ્જ કરવાની તથા માસિક રાજ્યના દસ હજાર નાના કેરોસીન કાર્ડધારક બોટ માલિક માછીમારોને પીડીએસ કોટામાંથી માસિક ૩પ લિટર્સ કેરોસીન ઉપરાંત ૧પ૦ લિટર્સની મર્યાદામાં કેરોસીન ખરીદી માટે લિટરદીઠ રૂા.રપની સહાય આપવાની જાહેરાત કરી હતી અને તેની સાથે મત્સ્યબંદરો અને ઉતરાણ કેન્દ્રોમાં માછીમારોની હોડીઓની અવરજવર સરળ બનાવવા પીપીપી ધોરણે મેન્ટેનન્સ ડ્રેજિંગની નવી નીતિ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. મુખ્યમંત્રી કૃષિ વિકાસ, યુવા શક્તિનું ઘડતર, ખેડૂતોની પડતર અરજીઓ સામે વીજ જોડાણો, તુવેર અને મગફળીની ટેકાના ભાવે ખરીદી દ્વારા ખેડૂતોના હિતોનું રક્ષણ, રાજ્ય સરકારની સેવાઓમાં ૮૦ હજાર યુવાનોની ભરતી, મેગા જોબ ફેર્સ દ્વારા યુવાનોને લાયકાતો પ્રમાણે સરળ રોજગારી, બે આંકડાનો કૃષિ વિકાસ દર, સુજલામ સુફલામ અને સૌની યોજનાના લાભો, સેવાસેતુ કાર્યક્રમ દ્વારા અદના માણસોની સમસ્યાઓનું નિરાકરણ સહિત શિક્ષણ, આરોગ્ય સહિતના તમામ ક્ષેત્રોમાં રાજ્ય સરકારની સિદ્ધિઓની વિગતો આપી હતી. પૂરગ્રસ્તો માટે મુખ્યમંત્રીની રાહત નીધિમાં રૂા.૧૦૧ કરોડનું યોગદાન આપનારા દાતાઓને બિરદાવવાની સાથે, આ ભંડોળ એકત્રીકરણ માટે વડોદરા જિલ્લા પ્રશાસનના સુસંકલિત આયોજનની પ્રસંશા કરી હતી.
તેમણે નર્મદા બંધની ઊંચાઈ વૃદ્ધિ અને દરવાજા બેસાડવાના ત્વરિત નિર્ણયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિર્ણાયક ભૂમિકાની વિગતો આપવાની સાથે જણાવ્યું કે, હવે સરદાર સરોવરમાં પોણા ચાર ગણું વધુ પાણી ભરી શકાશે અને ગુજરાત માટે દુષ્કાળ કાયમ માટે ભૂતકાળની વાત બની જશે. સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના આયોજન હેઠળ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ ધ્વજારોહણ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કર્યું હતું.