(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૩
આજવારોડ એકતાનગરમાં રહેતા અને સાયકલ રિપેરીંગનું કામ કરનાર શ્રમજીવીએ માચીસની સળીમાંથી સરદાર વલ્લભાઈ પટેલનું પૂર્ણ કદનું સ્ટેચ્યુ બનાવ્યું છે. આ સ્ટેચ્યુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની કેવડીયા કોલોની ખાતે આગામી મુલાકાત વેળા ભેટ આપવાની મહેચ્છા સાથે સર્જન કર્યું છે. પરંતુ સ્થાનિક નેતાઓએ સિક્યોરિટીનું બહાનું આગળ ધરી આ ગરીબ કલાકારને ધોર નિરાશામાં ધકેલી દીધો છે.
૨૮ વર્ષના હુશેનખાન સાદીકખાન પઠાણે ગુજરાત ટુડે સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પોતે સાયકલ રિપેરીંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમાંથી જે કાંઈ બચત થાય તેની માચીસો ખરીદ કરે છે. માચીસની સળીઓમાંથી અત્યાર સુધીમાં વિન્ટેજ કાર, એ-કે ૪૭, રાયફલ, ટાઈટેનિક જહાજ, એક કીડી અને છેલ્લે સરદારપટેલની સાડા છ ફૂટ ઉંચી પૂર્ણ કદની પ્રતિમા બનાવી છે.
હુસેનખાને વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે, સરદારની પ્રતિમા માટે એક લાખ અઠ્યાવીસ હજાર માચીસની સળીઓ વાપરી છે. પ્રતિમાને બનાવતા છ મહિના લાગ્યા છે. નવા માચીસની સળીઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. સળીઓને ચોંટાડવા માટે ફેવીકોલ અને અમુક જગ્યાએ ફેવીક્વીકનો ઉપયોગ કર્યો છે.
સરદાર પટેલની સાડા છ ફૂટ ઉંચી પ્રતિમાનું સર્જન કરવાનો શું હેતુ છે. તેવા એક પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં હુશેનખાને જણાવ્યું હતું કે, મારો નાનો ભાઈ સલમાન પેન્ટર છે. તેણે નરેન્દ્ર મોદીનું પેન્સીલથી એક પોર્ટરેટ બનાવ્યું હતું. ૨૦૧૧માં ભાજપ પ્રદેશની કારોબારીની બેઠક વડોદરા ખાતે મળેલી ત્યારે આ પોર્ટરેટ મારાભાઈએ મંચ ઉપર નરેન્દ્ર મોદીને ભેટ આપેલુ. પોર્ટરેટ એટલું આબેહુબ હતંંુ કે નરેન્દ્ર મોદી સહિત મંચ ઉપર ઉપસ્થિત નેતાઓ તાજ્જુબ પામી ગયા હતા. સાધુ ટેકરી ઉપર ત્યાર પછી કેવડીયા કોલોની ખાતે સરદાર પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાનો પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. આ તેમનો ડ્રિમ પ્રોજ્ેકટ હોવાથી સરદાર પટેલની જે પ્રતિમા ત્યાં ઊભી થશે એવી જ પ્રતિમા મેં માચીસની સળીઓમાંથી બનાવી નરેન્દ્ર મોદીને ભેટ આપવાની તીવ્ર ઈચ્છાથી તૈયાર કરી છે.
એક ઉંડો નિસાસો નાંખતાં આ શ્રમજીવી કલાકારે કહ્યું કે, કેવડીયા કોલોની અથવા તો ડભોઈમાં યોજાનાર નરેન્દ્ર મોદીની સભા સ્થળે સરદાર પટેલની પ્રતિમા ભેટ આપવાની મંજૂરી મેળવી આપો. પરંતુ સ્થાનિક ભાજપનાં નેતાઓએ સુરક્ષાનો પ્રશ્ન આગળ ધરી કલાકારને ઘોર નિરાશામાં ધકેલી દીધો. તેણે કહ્યું કે, નેતાઓનો જવાબ સાંભળી હું આશ્ચર્ય પામ્યો. મને આઘાત પણ લાગ્યો. કારણ કે મેં મારી મહેચ્છા પૂર્ણ કરવા સરદાર પટેલની પ્રતિમા બનાવવા છ મહિનાની મહેનત અને રૂપિયા ૨૩ હજારનો ખર્ચ કર્યો હતો તે એળે ગયો હોય તેવી લાગણી થઈ છે. મારી મહેચ્છા નરેન્દ્ર મોદી સુધી કોણ પહોંચાડે. ભાજપનાં સ્થાનિક નેતાઓએ તો હાથ અધ્ધર કરી દીધા છે.
હવે સમય ખૂબ ઓછો રહ્યો છે. ૧૭મીએ વડાપ્રધાનનો કાર્યક્રમ છે તેમ છતાં પીએમના પોર્ટલ ઉપર હું મારી ઈચ્છા વ્યક્ત કરીશ. જો નરેન્દ્ર મોદી એ પત્ર વાંચી તંત્રને સીધી સૂચના આપે તો જ હું મંચ ઉપર જઈ સરદાર પટેલની પ્રતિમા તેમને ભેટ આપી શકું પરંતુ સમય ખૂબ ટુંકો હોવાથી શક્યતા ઓછી છે.
મંજૂરી નહીં મળે તો સરદારના સ્ટેચ્યુ શું કરશો તેવા એક પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં તેણે કહ્યું હતું કે માચીસની સળીમાંથી મે જે જે વસ્તુઓ બનાવી છે તેનું પ્રદર્શન યોજી કલા પરખુઓને વેચી મેં કરેલા ખર્ચની રકમ મેળવવા પ્રયત્ન કરીશ. મારી આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં મે આટલો ખર્ચ ઉઠાવી મારામાં રહેલી કલાને પોષવા માટે વિવિધ વસ્તુઓનું સર્જન કર્યું છે.