(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મુદ્દે વિવર્સોની રજૂઆતોને ગંભીરતાંથી નહિં લેવાતાં હવે વિવર્સો કાનૂની મદદ લેવાની તૈયારીઓ કરી રહ્યાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રની ભાજપ સમર્થીત એનડીએ સરકાર દ્વારા દેશમાં જીએસટી લાગુ થયા બાદ શરૂઆતથી વિવર્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટની માંગ કરી રહ્યાં છે. દોઢ મહિના પહેલા સરકાર દ્વારા વિવર્સને ૧ ઓગસ્ટથી આઈટીસી રિફંડ આપવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ નવા પરિપત્રમાં પાછલી ક્રેડિટમાંથી જુલાઇના અંતિમ સ્ટોકનો ટેક્સ સરભર થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેની સાથે વિવર્સમાં નારાજગી છે અને તેમણે પત્ર લખી વિરોધ વ્યક્ત કર્યો છે. વિવર્સોના જણાવ્યા અનુસાર તા. ૨૪મી ઓગસ્ટના કેન્દ્રના નાણાંમંત્રાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટના નોટીફિકેશન પ્રમાણે ટેક્સટાઇલની સમગ્ર ચેઇનના ઉદ્યોગકારોને જુલાઇ – ૧૮ દરમિયાન હાથ રહેલી સ્ટોક સામે તેમના ખાતામાં જમાં રહેતી ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી યથાયોગ્ય ક્રેડિટ વેવ આપવામાં આવશે. જ્યારે અન્ય બાકી રહેતી ક્રેડિટ લેપ્સ થઇ જશે. જોકે, આ અંગે વીવીંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ દ્વારા અગાઉ પણ જાહેર થયેલા નોટીફિકેશન સામે ચિંતા વ્યક્ત કરતાં નાણામંત્રીને પત્ર લખી ક્રેડિટ લેપ્સ નહીં કરવા માંગણી કરાઇ હતી. હવે ફરી શહેરની વિવિધ વીવીંગ સોસાયટીઓએ નાણામંત્રી અરૂણ જેટલીને પત્ર લખી રજૂઆત કરી છે કે, શહેરના ઉદ્યોગકારોએ વર્ષ ૨૦૧૭ – ૧૮માં જમા રહેલી તેમની ક્રેડિટ ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ હિસાબી વર્ષ પૂર્ણ થતાંની સાથે તેમની ક્રેડિટ નવા વર્ષ એટલે કે, ૨૦૧૮ – ૧૯માં લઇ જવામાં આવી છે. તેથી વીવર્સ માટે ગુંચવણ ભરી પરિસ્થિતિ બની છે. કેટલાક વિવર્સ આગેવાનોનું બ્લોક કરવાનો સરકારને કોઇ અધિકાર નથી. હવે પણ જો સરકાર ક્રેડિટ નહીં આપે તો કાનૂની મદદ લઇ રિફંડ મેળવવાની ફરજ પડશે.