(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રપ
અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમની ગુમ યુવતી નિત્યાનંદિતા છેલ્લા કેટલાક દિવસથી વીડિયો કોલ મારફત પોલીસ સાથે અવારનવાર વાતચીત કરી રહી હોવા છતાં પોલીસ હજી સુધી તેનું લોકેશન જાણી શકી નથી, આથી નિત્યાનંદિતાનું લોકેશન જાણવા પોલીસે ઈન્ટરપોલની મદદ મેળવી છે. બીજી તરફ હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સની સુનાવણી અગાઉ નિત્યાનંદિતાની મોટી બહેન નિત્ય તત્વપ્રિયાએ એક વીડિયો દ્વારા તેણે એક એફિડેવિડ ફાઈલ કરી છે. તેની માહિતી આપી છે. તત્વપ્રિયાએ ૭ મિનીટ લાંબા વીડિયોમાં કોને કોને એફિડેવિટ કરવામાં આવી છે તે પણ જણાવ્યું છે. જેમાં તેણે જણાવ્યું છે કે તેનું અપહરણ થયું નથી. તેણે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્‌સ કમિશન, મુખ્યમંત્રી, વડાપ્રધાન, ગર્વનર, ડીજીપી, ચીફ જસ્ટીસ ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ પોલીસ કમિશનર, વિવેકાનંદનગર પોલીસના એસપીને એફિડેવિટ કરી છે. બંને બહેનોને રજૂ કરવાના મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલ હેબિયર્સ કોર્પસની સામે આ એફિડેવિટ કરવામાં આવી છે. તે વીડિયોમાં કહી રહી છે કે, અમે સલામત છીએ પણ અમારા લોકેશન શોધવાના અનેક પ્રયાસ કરાયા છે. તેથી આજે મેં સાઈન કરીને એફિડેવિટ ફાઈલ કરી છે. અનેક આરોપો થયા છે કે અમારું અપહરણ થયું છે. પણ અમારું અપહરણ થયું નથી. અમે અહીં ખુશ છીએ પણ અમે અમારી મરજીથી આ જિંદગી પસંદ કરી છે. અમે અમારી ઈચ્છાથી સનાતન હિન્દુ ધર્મ પસંદ કર્યો છે. અમે વારંવાર સ્ટેટમેન્ટ આપ્યા છે કે, અમે સલામત છીએ. બીજી તરફ સાયબર ક્રાઈમની ટીમ પણ નિત્યાનંદિતાનું લોકેશન મેળવવામાં નિષ્ફળ ગઈ હોવાથી પોલીસે ઈન્ટરપોલની મદદ લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નિત્યાનંદિતા પાંચમી નવેમ્બરે સોનાલી ચેકપોસ્ટથી નેપાળમાં પ્રવેશી હોવાનું કહેવાય છે. ત્યારબાદ તે નેપાળ થઈને અન્ય દેશમાં ગઈ હોવાની શક્યતા છે, ત્યારે નિત્યાનંદિતા નેપાળમાં છે કે, અન્ય કોઈ દેશમાં તે ઈન્ટરપોલની મદદથી જાણી શકાશે.