(એજન્સી) તા.રર
૧૯૯રમાં બાબરી મસ્જિદની શહાદત પછી કેન્દ્રીય ગૃહસચિવનું પદ છોડી દેનાર માધવ ગોડબોલેએ કહ્યુું હતું કે બાબરી મસ્જિદને બચાવવાની ઘણી તકો ગુમાવી દેવામાં આવી હતી. રાજીવ ગાંધી સરકાર, વી.પી.સિંહ સરકાર અથવા પી.વી.નરસિમ્હા રાવ સરકારે આ સંવેદનશીલ મુદ્દાનો ઉકેલ લાવવા માટે ઈચ્છુક ન હતી. ગોડબોલેએ તેમના નવા પુસ્તકમાં બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ મુદ્દા વિશે તેમના વિચારો રજૂ કર્યા છે. નિવૃત્તિના ૧૮ મહિના પહેલાં માર્ચ ૧૯૯૩માં રાજીનામું આપી દેનાર ગોડબોલેએ કહ્યું હતું કે અનુગામી સરકારોએ આ મુદ્દા પર ધ્યાન આપ્યું ન હતું. ગોડબોલેએ કહ્યું હતું કે, આશ્ચર્યની વાત એ છે કે, રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન ઘણા યોગ્ય સૂચનો આપવામાં આવ્યા હતા. મારા મંતવ્ય મુજબ તેમાંથી કોઈ એક સૂચન હિન્દુ અને મુસ્લિમો બન્નેની માગણીઓને સંતોષી શકે અને મસ્જિદને બચાવી શકે તેવું હતું. ઉલ્લેખનીય છે કે આવતા મહિને ગોડબોલેના નવા પુસ્તક ધ બાબરી મસ્જિદ રામમંદિર ડિલેમ્મા એન એસિડ ટેસ્ટ ફોર ઈન્ડિયાઝ કોન્સ્ટીટયુશનનું વિમોચન થશે. આ વિશે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં ગોડબોલેએ કહ્યું હતું કે, પરંતુ હું એ નથી સમજી શકતો કે રાજીવ ગાંધીએ આ વિશે કોઈપણ સૂચનનો અમલ કેમ ન કર્યો. સંબંધિત પક્ષો સાથે ચર્ચા આગળ વધારી કોઈ એક સમજૂતી સધાઈ ગઈ હોત. ગોડબોલેએ તેમના પુસ્તકના છઠ્ઠા પ્રકરણમાં લખ્યું છે કે, રાજીવ ગાંધીએ હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયોના કટ્ટરવાદીઓને ખુશ કરવામાં વ્યસ્ત હતા. મુસ્લિમોને મુસ્લિમ વિમેન ડિવોર્સ એકટ મળી ગયો અને ત્યારબાદ હિન્દુઓને અયોધ્યા મસ્જિદના તાળા ખોલી ત્યાં પૂજાની પરવાનગી આપી દેવામાં આવી, શિલાન્યાસની પરવાનગી આપી દેવામાં આવી અને કોંગ્રેસ પાર્ટીનું લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન પણ અયોધ્યાથી શરૂ કરવામાં આવ્યું. ગોડબોલેએ કહ્યું હતું કે હું કોઈપણ ખચકાટ વગર રાજીવ ગાંધીને બીજો સૌથી અગ્રણી કારસેવક કહીશ. રર ડિસેમ્બર ૧૯૪૯માં બાબરી મસ્જિદની અંદર ગુપ્ત રીતે રામલ્લાની મૂર્તિ મૂકવા માટે પ્રોત્સાહન આપનાર ફૈઝાબાદના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ નાયર પછી રાજીવ ગાંધી બીજા સૌથી મોટા કારસેવક હતા. ગોડબોલેએ કહ્યું હતું કે, આ વાસ્તવિકતા વચ્ચે રાહુલ ગાંધી કહે છે કે જો નહેરૂ-ગાંધી પરિવારનો કોઈ વ્યક્તિ સત્તામાં હોત તો બાબરી મસ્જિદ બચાવી શકાઈ હોત જે એક આશ્ચર્યજનક દાવો છે. આ મુદ્દાનો ઉકેલ લાવવાની તકો ગુમાવવાની ભારતે મોટી કિંમત ચૂકવી છે જ્યારે ગોડબોલેને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું નરેન્દ્ર મોદી સરકાર આ વિવાદનો ઉકેલ લાવી શકશે ત્યારે તેમણે કહ્યું હતું કે હાલમાં કોઈને પણ આ વિવાદ પર સરકારના વલણ વિશે ખ્યાલ નથી. આપણને આરએસએસ અને વીએચપીનું વલણ દેખાય છે પરંતુ સરકારનું વલણ સ્પષ્ટ થયું નથી. જ્યાં સુધી મારા દૃષ્ટિકોણની વાત છે તો કોઈપણ વ્યક્તિ મુસ્લિમોને આ જમીન આપવાનું વિચારતી નથી. તેઓ સુપ્રીમકોર્ટના નિર્ણય વડે આવું કરવા માંગે છે કે જેથી મુસ્લિમોને અધિકાર ન આપવા બદલ તેમને જવાબદાર ન ઠેરવી શકાય.