અમદાવાદ,તા.૩૦
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નહીં. એટલે ગુજરાતની લોકસભાની ર૬ બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. ઉપરાંત ગુજરાતમાં આંદોલનો થયા હોવા છતાં કોંગ્રેસ સત્તા મેળવવામાં નિષ્ફળ રહી હતી. જયારે લોકસભામાં પણ સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષનો દેખાવ સાવ નિરસ રહ્યો છે. ત્યારથી કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં નેતાગીરી નિષ્ફળ ગઈ છે. નેતૃત્વ પરિવર્તન જ જીવનદાન બક્ષી શકે. માધવસિંહ સોલંકીના કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ ગયાના નિવેદનને પગલે રાજકારણ ગરમાયું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો મંગળવારે જન્મદિવસ હતો, ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને જન્મદિવસની શુભકામના આપવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે ગુજરાત કોંગ્રેસમાં નેતાગીરીની નિષ્ફળતાની વાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસના અને રાષ્ટ્રીય કોંગ્રેસના નબળા નેતૃત્વ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. સર્કિટ હાઉસમાં પોતાના જન્મદિવસે પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ હાલ ગુજરાત કોંગ્રેસ કેમ સત્તામાં નથી તે વિશે કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા છે. આ નેતાગીરીમાં ફેરફાર કરવો જોઈએ, બદલાવ લાવવો જોઈએ. નેતાગીરી સફળ બને તે માટે પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તન દ્વારા જ ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવી શકે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી સિવાય કોણ મજબૂત ચહેરો તે વિશે તેમણે કહ્યું કે, મુખ્ય નેતા તો મજબૂત હોવો જોઈએ. તેનુ ચલણ આખા રાજના નેતાગીરી પર પડે છે. રાહુલ ગાંધી સિવાય કોણ મજબૂત નેતા હોઈ શકે તે વિશે તેમણે કહ્યું કે, આટલા બધા લોકો અભિપ્રાય આપવા માટે હોય તો અભિપ્રાય વિશે વિચાર કરવો જોઈએ. શાંતિથી જોવુ જોઈએ કે કોનો અભિપ્રાય વધુ સારો છે. પ્રિયંકા ગાંધી પણ ચોક્કસ બની શકે છે. તેઓ સ્વભાવે અને વ્યવહારે લોકોને ગમી જાય તેવા નેતા છે. અત્યાર સુધી તેમના જે અનુભવ જાહેરમાં થયા છે તેમાં લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. જો તે હોય તો પણ સારૂ.