કોડીનાર, તા.ર૦
કોડીનાર તાલુકાના દામલી ગામે વાડીમાં મજૂરી કામ કરતા મજૂરો ઉપર મધમાખીઓનું ઝુંડ ત્રાટકતા ૧૩ લોકોને ડંખ ભરતા તમામને કોડીનાર દવાખાને સારવારમાં ખસેડાયા હતા.કોડીનાર તાલુકાના દામલી ગામે ટવીન્કલ ગોહિલના ખેતરમાં સવારના સુમારે ખેત મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે મધમાખીના ઝુંડમાં પક્ષીએ ચાંચ મારતા મધમાખીનું ઝુંડ વિફરી અહીં કામ કરતા મજૂરો ઉપર પડ્યું હતું. અચાનક જ મધમાખીનું ઝુંડ પડતાં મજૂરોની કાળી ચીસો વચ્ચે ભારે અફરાતફરી મચી હતી. જેમાં મધમાખીઓએ પાંચ મહિલાઓ સહિત ૧૩ લોકોને ડંખ મારતા ૮ મજૂરોને કોડીનાર સરકારી દવાખાને અને બેને રા.ના. વાળા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે ૩ મજૂરોને વધુ ડંખ મારતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાના કારણે ખેડૂત પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો અને મધમાખીની દહેશતના કારણે લોકોએ ખેતર જવાનું ટાળ્યું હતું.