ફરંગીયોં કો અત્તા ખાક-એ-સુરિયાને કિયા
નબી ઈફ્ફત-ઓ-ગમ-ખ્વારી-ઓ-કમ અઝારી
-અલ્લામા ઈકબાલ
મધ એ કુદરત દ્વારા આપણને મળતી એક શ્રેષ્ઠ ઔષધિ છે, જેને આપણે સુંદર મધપૂડામાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. મધ માખીઓનો વિશાળ સમૂહ દિવસ રાત એક કરી, આ મધપૂડા પર મધુર રસને પાથરતો રહે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણને મધપૂડામાંથી મધુરતાથી સભર અને મીઠાશથી ભરપુર મધ મળી રહે છે. મધપૂડા પર એકમેક પર ગોઠવાયેલ મધમાખીઓ આપણને હંમેશા એક બાબત શિખવી જાય છે કે, જો કોઈપણ કાર્ય, એક સમૂહમાં રહી અને નિષ્ઠાથી કરવામાં આવે તો તેનું પરિણામ મધ જેવું મીઠું જ હોવાનું.
મધપૂડામાં રહેલ ફૂલોનો મીઠો રસ એટલે કે મધનો સ્વાદ તેને બનાવનાર મધમાખીને કયારેય ચાખવા મળતો નથી. છતાંય અન્યોને મધની મીઠાશ પૂરી પાડવા તે સતત મહેનત કરે છે. મધમાખીઓની જેમ જો આપણે પણ અન્યોના જીવનમાં મીઠાશ લાવવાનો થોડોક પણ પ્રયત્ન કરીશું. તો ચોક્કસપણે તે આપણને સંતોષ આપશે અને હંમેશા દરેકની મદદ કરવા તત્પરતાનો ગુણ કેળવવામાં પણ તે આપણને મદદરૂપ બનશે.
પ્રથમ તસવીરમાં મધપૂડાનું નજીકથી લીધેલું દૃશ્ય જોવા મળી રહ્યું છે. નાની-નાની જાળીઓથી બનેલો આ મધપૂડો પણ આપણને સુંદર ત્યારે જ લાગે છે. જ્યારે તે જાળીઓથી એકબીજાને સાથે જોડાયેલો હોય. મધપૂડાની જેમ જો આપણે પણ એક રસ થઈ જઈએ તો દુનિયાનો કોઈપણ સંબંધ આપણને ચોક્કસપણે કયારેય ખારો તો નહીં જ લાગે.
દ્વિતીય તસવીર ર૧ ઓગસ્ટ-ર૦૧૭ની છે. જેમાં સીરિયાના દક્ષિણમાં આવેલ શહેર દારાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે. જે પ્રથમ તસવીર કરતાં તદ્દન વિપરીત છે. એક તરફ એકમેકમાં સંયોજિત થયેલો મધપૂડો છે, તો બીજી તરફ ખંડેર થયેલી ઈમારતો અને વિનાશના આરે ઊભેલું શહેર જોવા મળી રહ્યું છે અને આ દૃશ્ય આપણને મધ વગરના મધપૂડાની યાદ અપાવે છે.